શેખ હસીનાને Bangladesh છોડવા માટે માત્ર 45 મિનિટનો સમય મળ્યો હતો. તેઓ એરફોર્સના વિમાનમાં ભારત આવ્યા હતા. ભારતને માહિતી મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓએ કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે તુરંત જ યોજના બનાવી હતી. ભારતીય વાયુસેનાના રડારોએ બાંગ્લાદેશના એરસ્પેસ પર નજર રાખવાનું શરૂ કર્યું અને 5 ઓગસ્ટના રોજ બપોરે 3 વાગ્યે, તેઓએ એક નીચા સ્તરનું ઉડતું વિમાન ભારત તરફ આવતું જોયું. તેને ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી કારણ કે ત્યાં સુધીમાં એરફોર્સ અધિકારીઓને ખબર પડી ગઈ હતી કે અંદર કોણ છે.
સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે તે વિમાનને સુરક્ષા આપવા માટે તરત જ બે ફાઈટર રાફેલ એરક્રાફ્ટ મોકલવામાં આવ્યા હતા. આ બંને રાફેલ જેટ્સે પશ્ચિમ બંગાળના હાશિમારા એર બેઝના 101 સ્ક્વોડ્રનથી ઉડાન ભરી હતી અને આવનારા એરક્રાફ્ટને સુરક્ષા પૂરી પાડી હતી. અહીં જમીન પર સુરક્ષા એજન્સીઓ આવનારી ફ્લાઈટના રૂટ પર સતત નજર રાખી રહી હતી. ભારતીય વાયુસેના અને આર્મી ચીફ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને જનરલ ઉપેન્દ્ર ચૌધરી સમગ્ર ઘટના પર નજીકથી નજર રાખી રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર ટોચના સુરક્ષા અધિકારીઓની બેઠક પણ યોજાઈ હતી. ગુપ્તચર એજન્સીઓના વડાઓ, આર્મી ચીફ જનરલ દ્વિવેદી અને ઈન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ ચીફ લેફ્ટનન્ટ જનરલ જોન્સન ફિલિપ મેથ્યુ તેમાં સામેલ હતા.
તે પછી શેખ હસીનાનું જેટ સાંજે લગભગ પોણા છ વાગ્યે હિંડન એર બેઝ પહોંચ્યું. ત્યાં તેમનું રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું હતું. બેઝ કમાન્ડરે તેમનું સ્વાગત કર્યું. જે બાદ તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલને મળ્યા હતા. આ બેઠક એક કલાક સુધી ચાલી હતી. તે દરમિયાન બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અને ભવિષ્ય વિશે ચર્ચા થઈ હતી. શેખ હસીનાને મળ્યા બાદ ડોભાલ વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યાં તેમણે સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં હાજરી આપી હતી.
644 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડવાની ક્ષમતા ધરાવતા આ વિશેષ વિમાનમાં શેખ હસીનાને ભારત લાવવામાં આવ્યા હતા.
શેખ હસીનાએ સેફ હાઉસમાં રાત વિતાવી
જે બાદ શેખ હસીનાએ હિંડન એર બેઝના સેફ હાઉસમાં રાત વિતાવી હતી. તેમની સુરક્ષા માટે એર સર્વિસના ગરુડ કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે ભારતીય એરબેઝના મુખ્ય દ્વારથી અંદર સુધી દરેક જગ્યાએ વધારાના સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સેફ હાઉસમાં કોઈને જવાની પરવાનગી નથી. ભવિષ્યની સ્થિતિ શું છે તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. એવું માનવામાં આવે છે કે આજે પણ શેખ હસીના ભારતીય એર બેઝના સેફ હાઉસમાં જ પોતાની બહેન સાથે સમય વિતાવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શેખ હસીના મંગળવારે સવારે જે પ્લેન દ્વારા આવ્યા હતા. તે વિમાન બાંગ્લાદેશ પરત ફર્યું હતું.
નોંધનીય છે કે બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન દેશભરમાં ફેલાઈ ગયા બાદ ઢાકામાં પણ દેખાવકારોએ તોડફોડ કરી હતી અને હંગામો મચાવ્યો હતો. આ પછી સેનાએ ચાર્જ સંભાળ્યો અને શેખ હસીનાને દેશ છોડવા માટે કહેવામાં આવ્યું. આ પછી તે 5 ઓગસ્ટે બપોરે 2.30 વાગ્યાની આસપાસ દેશ છોડી ગયો હતો. વિદ્યાર્થીઓનું પ્રદર્શન ખૂબ જ હિંસક બની ગયું હતું. પ્રદર્શનકારીઓએ પીએમ આવાસમાં ઘૂસીને ભારે તોડફોડ અને લૂંટફાટ કરી હતી.