બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં એરફોર્સનું એક ટ્રેનર ફાઇટર જેટ નદીમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. રિપોર્ટ અનુસાર આ વિમાનમાં સવાર બે પાઈલટમાંથી એકનું અકસ્માતમાં મોત થયું છે. ઘટનાના એક વીડિયોમાં પ્લેનના પાછળના ભાગમાં આગ દેખાઈ રહી છે. નદીમાં પડતા પહેલા લગભગ એક રાઉન્ડ લીધો હતો.

વીડિયોમાં જેટના શરીરના ભાગો પણ ધીમે ધીમે તૂટતા જોવા મળે છે. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ ડિરેક્ટોરેટ (ISPR) એ જણાવ્યું હતું કે 32 વર્ષીય સ્ક્વોડ્રન લીડર અસીમ જવાદનું નેવી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

ટ્રેનર ફાઇટર જેટ ક્રેશ
મળતી માહિતી મુજબ, બાંગ્લાદેશ એરફોર્સ (BAF)નું YAK130 ટ્રેનર ફાઈટર જેટ સવારે 10:25 વાગ્યે ટ્રેનિંગ બાદ બેઝ પર પરત ફરી રહ્યું હતું ત્યારે તે ક્રેશ થયું હતું. જેમાં વિંગ કમાન્ડર સોહન હસન ખાન અને સ્ક્વોડ્રન લીડર અસીમ જવાદ ફ્લાઈટમાં સવાર હતા અને જેટમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. વીડિયોમાં પાયલોટને પેરાશૂટ સાથે નીચે ઉતરતો બતાવવામાં આવ્યો છે.

અકસ્માતની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નદીમાં ઉતરેલા બે પાયલટોને એરફોર્સ, નેવીના સભ્યો અને સ્થાનિક માછીમારોએ બચાવી લીધા હતા. અસીમ જવાદને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ISPR અનુસાર, પાઇલોટ્સ વિમાનને એરપોર્ટ નજીક ગીચ વસ્તીવાળા વિસ્તારથી દૂર ઓછી વસ્તીવાળા વિસ્તારમાં લઈ જવામાં સફળ રહ્યા. BAFએ અકસ્માતની તપાસ માટે એક સમિતિની રચના કરી છે.