pakistan: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના મસ્તુંગ જિલ્લામાં આવેલા એક સૈન્ય કેમ્પ પર આત્મઘાતી હુમલો થયો છે. ‘બલોચ લિબરેશન આર્મી’ (BLA) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને દાવો કર્યો છે કે તેમાં પાકિસ્તાનના ૧૮ સૈનિકો માર્યા ગયા છે. બલૂચિસ્તાનના મસ્તુંગ જિલ્લામાં એક સૈન્ય કેમ્પ પર થયેલા આત્મઘાતી હુમલામાં પાકિસ્તાનના ઓછામાં ઓછા ૧૮ સૈનિકોના મોત થયા છે. ‘બલોચ લિબરેશન આર્મી’ (BLA) એ એક વીડિયો સંદેશમાં જણાવ્યું છે કે, તેમના ‘મજીદ બ્રિગેડ’ જૂથે કાંડવા વિસ્તારમાં વાહનમાં છુપાવેલા વિસ્ફોટકો (VBIED) નો ઉપયોગ કરીને આ હુમલો કર્યો હતો. આ હુમલામાં સૈન્ય કેમ્પ અને નજીકની સુરક્ષા ચોકીઓ નાશ પામી હતી. જૂથે એવો પણ દાવો કર્યો છે કે વિસ્ફોટમાં અન્ય ઘણા સૈનિકો ઘાયલ થયા છે. આ હુમલો ગુરુવારે થયો હતો.

BLA ના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ બાદ તેમના ‘ફતેહ સ્ક્વોડ’ના આતંકવાદીઓ કેમ્પમાં ઘૂસી ગયા હતા અને ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ પર હુમલો કર્યો હતો. જૂથે વધુમાં દાવો કર્યો છે કે, એક સુનિયોજિત અભિયાનના ભાગરૂપે નજીકની એક સુરક્ષા ચોકીને પણ નિશાન બનાવવામાં આવી હતી.

હુમલાની જવાબદારી સ્વીકારતી BLA
આ સંગઠને આત્મઘાતી હુમલાખોરની ઓળખ મસ્તુંગના ખારકોચાના રહેવાસી ઉસામા શાહવાની (ઉર્ફે વદૂદ) તરીકે કરી છે. સંગઠને જણાવ્યું કે શાહવાની ૨૦૨૨માં તેમાં જોડાયો હતો અને ૨૦૨૪માં ‘મજીદ બ્રિગેડ’નો સભ્ય બન્યો હતો.

BLA એ વધુમાં દાવો કર્યો છે કે શાહવાનીએ કલાત, નાગાહો અને શુર પરોદમાં અનેક અભિયાનોમાં ભાગ લીધો હતો. સંગઠને એવો પણ ઉલ્લેખ કર્યો છે કે નુશ્કીમાં ‘ઓપરેશન હેરોફ-૨’ (Operation Herof II) દરમિયાન તેણે ત્રણ દિવસ સુધી લડાઈ લડી હતી. બલૂચિસ્તાનમાં હિંસાનો દોર યથાવત છે.
આ નિવેદન દ્વારા જૂથે બલૂચિસ્તાનમાં ખનિજ સંશોધન અને રોકાણ પ્રોજેક્ટ્સનો વિરોધ પણ દોહરાવ્યો છે. સાથે જ, આવા પ્રોજેક્ટ્સમાં સામેલ વિદેશી કંપનીઓ અને રોકાણકારોને ધમકીઓ પણ આપી છે.

તેમણે ખાસ કરીને ‘પાકિસ્તાન મિનરલ્સ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ ૨૦૨૬’ (Pakistan Minerals Investment Forum 2026) ને નિશાન બનાવ્યું છે. તેમનો આરોપ છે કે પ્રાંતમાં ખનિજ પ્રોજેક્ટ્સનો મુખ્ય ઉદ્દેશ્ય અહીંના કુદરતી સંસાધનોનું શોષણ કરવાનો છે. સંગઠને ચેતવણી આપી છે કે જે કંપનીઓ અને રોકાણકારો આ પ્રોજેક્ટ્સમાં ભાગ લેશે, તેઓ હુમલાનો ભોગ બની શકે છે. BLA એ જણાવ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાની સુરક્ષા દળો બલૂચિસ્તાનમાંથી પાછા નહીં હટે અને આ પ્રદેશ સ્વતંત્રતા પ્રાપ્ત નહીં કરે, ત્યાં સુધી તેમનું સશસ્ત્ર અભિયાન ચાલુ રહેશે.