Vadodara : ગ્રામ્યમાં આવતા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિજ કંપનીના કર્મચારીઓ પર બગડ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા મારફતે સપાટી પર આવ્યો છે. જેમાં તેઓ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, તમને છેલ્લી વોર્નિંગ આપું છું.

સ્થાનિકો દ્વારા જ્યારે વિજ કંપનીના કર્મચારીઓને કનેક્શન અથવા વિજ પુરવઠો શરૂ થવા અંગે પુછવામાં આવે ત્યારે તેઓ ગોળ ગોળ જવાબ આપતા હોવાનું સામે આવ્યું છે. આખરે આ અંગે સ્થાનિકો દ્વારા ધારાસભ્યને વાત કરવામાં આવતા તેમની હાજરીમાં જ વિજ કંપનીના કર્મચારીઓને તેમણે ખખડાવી નાંખ્યા હતા.

તમે સરકારી કર્મચારીઓ છો

વડોદરા ગ્રામ્યમાં વિજ પુરવઠો ખોરવાઇ જવાના કારણે અને નવા કનેક્શન મેળવવા માટે મુશ્કેલી પડતી હોવાની વાત વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અગાઉની જિલ્લા સંકલનની બેઠકમાં કહી ચુક્યા છે. છતાં પણ વિજ કંપનીના કર્મચારીઓની આડાઇ ચાલુ હોય તેમ લાગી રહ્યું છે.

તાજેતરમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે. જેમાં તેઓ વિજ કંપનીના કર્મચારીઓને તમામની હાજરીમાં કહે છે કે, તમને છેલ્લી વોર્નિંગ આપું છું. મને ફરિયાદ મળશે તે તમે ગોળ ગોળ જવાબ આપો છો. તમે સરકારી કર્મચારીઓ છો, સરકાર તમને કામ કરવાના પૈસા ચુકવે છે. તમે કોઇ મફતની સુવિધા નથી આપતા. તમે ગોળ ગોળ જવાબ આપો તે કેવી રીતે ચાલે.

લોકો તમને અમથા અમથા ફોન નહીં કરતા હોય

વધુમાં ધારાસભ્ય કહે છે કે, મારી પાસે ફરી ફરિયાદ આવી કે તમે આ રીતે જવાબ આપો છો, તો હું કાગળ પર લઇને પછી એક્શન લઇશ. પછી મને ના કહેતા. મને મજબુર ના કરો. આ લોકો તમને અમથા અમથા ફોન નહીં કરતા હોય. તેમને મુશ્કેલી હોય ત્યારે તેઓ ફોન કરે અને તમે ગોળ ગોળ જવાબ આપો તો કેવી રીતે ચાલે..!

આ પણ વાંચો..