Vadodara: વડોદરા શહેરના સોમા તળાવ નજીક મંગળવારે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એસએસવી સ્કૂલની વાન વાઘોડિયા રોડ પર પલટી ખાઈ જતા અંદર બેઠેલા 14 વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજા થઈ હતી. અકસ્માત બાદ સ્થળ પર ચકચાર મચી ગઈ હતી અને રાહદારીઓ તેમજ સ્થાનિક લોકોએ દોડી જઈ વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા.
ટાયર ફાટતાં વાન પલટી
મળતી માહિતી અનુસાર, ઈકો વાન વિદ્યાર્થીઓને લઈને સ્કૂલ તરફ આવી રહી હતી. દરમિયાન વાઘોડિયા-વડોદરા રોડ પર અચાનક વાનનો ટાયર ફાટી ગયો. ટાયર ફાટતાં જ વાન પરનો કાબુ છૂટી ગયો અને વાન રસ્તા પર પલટી મારી ગઈ. અકસ્માત એટલો અચાનક સર્જાયો કે અંદર બેઠેલા વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા. સદનસીબે વાન એક બાજુ પલટી ખાઈને અટકી ગઈ, નહિતર તે ઉંધી પડી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.
14 વિદ્યાર્થીઓને ઈજા, હોસ્પિટલમાં સારવાર
આ અકસ્માતમાં અંદાજે 14 વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજા થઈ હતી. તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તમામને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ડોકટરોના જણાવ્યા મુજબ, બાળકોને ગંભીર ઈજા થઈ નથી અને મોટાભાગને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.
વાલીઓ અને સ્કૂલ સંચાલકો દોડી આવ્યા
ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓના વાલીઓ અને સ્કૂલ સંચાલકો હોસ્પિટલ પહોંચ્યા હતા. બાળકોને ઈજા સામાન્ય હોવાનું જાણવા મળતાં વાલીઓને થોડી રાહત મળી, પરંતુ અકસ્માત બાદ વાલીઓએ વાનચાલકોની બેદરકારી અંગે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
જૂના ટાયર બદલાયા ન હોવાના આક્ષેપ
આ ઘટનામાં વાન ચાલકની બેદરકારી સામે આવી છે. અકસ્માતગ્રસ્ત વાનમાં ટાયર જૂના હતા અને તે બદલવામાં આવ્યા નહોતા. નિયમ મુજબ, સ્કૂલ વાનમાં ટાયર, બ્રેક તથા અન્ય મિકેનિકલ ચેકિંગ નિયમિત થવું જોઈએ, પરંતુ વાન માલિક અને ચાલક દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે.
સ્કૂલ વાનની સુરક્ષામાં તંત્ર નિષ્ફળ
આ ઘટના સ્કૂલ વાન વ્યવસ્થામાં ચાલતી બેદરકારીને ફરી એકવાર બહાર લાવી છે. ભૂતકાળમાં પણ અનેક વખત સ્કૂલ વાન અકસ્માતના ભોગ બની છે, છતાં આરટીઓ, ટ્રાફિક પોલીસ અને તંત્ર વાન ચાલકોને કાયદેસર નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ રહ્યું છે.
મોટાભાગના વાન ચાલકો ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓને વાનમાં બેસાડે છે. સાથે જ તેઓ જોખમી રીતે અને આડેધડ ડ્રાઇવિંગ કરે છે. ઘણી વારો તો વાન ઓવરલોડ હોવાથી બાળકોના જીવ સાથે સીધો ખેલ થાય છે.
સ્કૂલ વાનોની હાલત જર્જરિત
વડોદરા સહિતના શહેરોમાં અનેક સ્કૂલ વાનો વર્ષો જૂની અને જર્જરિત હાલતમાં દોડે છે. આવી વાનોના મિકેનિકલ ફિટનેસનું ચેકિંગ થતું નથી અને અકસ્માત સમયે આ વાનો બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
વાલીઓની લાચારગીને કારણે જોખમ
મોટાભાગની સ્કૂલો પાસે પોતાની બસો નથી હોતી. સ્કૂલ દૂર હોવાથી અને રોજ બાળકોને આવવા-જવા મૂકવું મુશ્કેલ હોવાને કારણે વાલીઓ મજબૂરીમાં બાળકોને વાનમાં મોકલે છે. વાલીઓ જોખમ જાણતા હોવા છતાં લાચાર હોય છે, કારણ કે વિકલ્પો ખૂબ ઓછા છે.
અકસ્માત છતાં ફરિયાદ નોંધાઈ નથી
આ અકસ્માત બાદ બપોર સુધીમાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી. જો કે સ્થાનિક સ્તરે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે કે જો વાનચાલકો સામે કડક કાર્યવાહી ન થાય તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના બનવાની શક્યતા છે.
આ પણ વાંચો
- Gandhinagar canal murder: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જન્મદિવસની રાત્રે હત્યાના આરોપીને પકડ્યો
- Saudi Arabia ના ગ્રાન્ડ મુફ્તી શેખ અબ્દુલ અઝીઝનું અવસાન, તેઓ 1999 થી આ પદ પર હતા
- Chinaનું નવું પરાક્રમ… AI નો ઉપયોગ કરીને બનેલો વિશ્વનો સૌથી ઊંચો ડેમ
- Cm bhagwant Mann નું વચન: દરેક ખેડૂતને ખાસ ગિરદાવરી દ્વારા નુકસાનનું વળતર મળશે
- Gandhinagar: ક્રૂર હત્યાનો ભેદ ઉકેલાયો, સાયકો કિલર વિપુલ વિમલ ઉર્ફે નીલ પરમાર ધરપકડ