PM Modi will come to Vadodara: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવાર, 8 સપ્ટેમ્બર 2026ના રોજ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. PM મોદીની મુલાકાતને લઈને વડોદરા શહેરમાં વહીવટી તંત્ર અને જાહેર ભાગીદારીના સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર અને ભવ્ય દેખાવ આપવા સાથે સરકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે પૂર્વ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આ મુલાકાત દરમિયાન યુવાનો, ખાસ કરીને Gen Z, વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને યુવા ઇનોવેટર્સ સાથે સીધો સંવાદ PM મોદીના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બનશે.
‘સ્વાગત સે સ્વાગત’ અંતર્ગત સ્વચ્છતા અભિયાન
PM મોદીના આગમન પહેલા 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન વડોદરામાં વિશેષ સ્વચ્છતા અભિયાન અને ‘સ્વાગત સે સ્વાગત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના રસ્તાઓ, તળાવો, ઐતિહાસિક સ્થળો, શાળાઓ અને હોસ્પિટલો સહિતના વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી રહી છે.
સ્વચ્છતા સાયક્લોથોન અને વિવિધ જનભાગીદારીના કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં સ્વચ્છતા, ફિટનેસ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ‘વિકસિત ભારત માટે નમો’ અભિયાન સાથે જનભાગીદારીને જોડવાનો પણ પ્રયાસ છે.
ચારેય ઝોનમાં સેવા સેતુ શિબિરો
વડોદરા શહેરના ચારેય ઝોનમાં ખાસ સેવા સેતુ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શિબિરોનો ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને યુવાનો સહિત વધુમાં વધુ લાભાર્થીઓને સરકારી કલ્યાણકારી યોજનાઓ સાથે જોડવાનો છે.
વહીવટીતંત્ર દ્વારા લોકોને સરકારી યોજનાઓ અને સેવાઓનો સીધો લાભ મળી રહે તે માટે સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
7 સપ્ટેમ્બરે ભવ્ય પદયાત્રાનું આયોજન
PM મોદીના વડોદરા આગમનના એક દિવસ પહેલા એટલે કે 7 સપ્ટેમ્બરે શહેરના વિવિધ વિસ્તારોમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં સ્થાનિક નેતાઓ સાથે સામાન્ય નાગરિકો પણ ભાગ લેશે.
આ પદયાત્રા દ્વારા શહેરમાં ઉત્સાહનું વાતાવરણ ઉભું કરવા અને જનભાગીદારી મજબૂત કરવાની સાથે વડોદરાના સાંસ્કૃતિક વારસાને પણ ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Gen Z પર ખાસ ફોકસ, 6 હજારથી વધુ લોકો જોડાશે
આ વખતની વડોદરા મુલાકાત પરંપરાગત મોટી જાહેરસભા કરતાં અલગ પ્રકારની છે. PM મોદીનો મુખ્ય કાર્યક્રમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જ્યાં 6,000થી વધુ વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને યુવા ઇનોવેટર્સ જોડાવાના છે.
કાર્યક્રમમાં ટેક્નોલોજી, નવીનતા, સ્ટાર્ટઅપ્સ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.
યુવાનો સાથે સીધો સંવાદ, વિકસિત ભારતનો સંદેશ
PM મોદી આ કાર્યક્રમના માધ્યમથી દેશની નવી પેઢીને રાષ્ટ્ર નિર્માણ અને ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે જોડવાનો પ્રયાસ કરશે. યુવાનો સાથે જોડાયેલા રાષ્ટ્રીય અને સ્થાનિક મુદ્દાઓ અંગે પણ તેઓ સીધો સંદેશ આપી શકે છે.
ખાસ કરીને ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં યુવાઓની ભૂમિકા તથા ભારતને આત્મનિર્ભર અને વિકસિત બનાવવામાં તેમની જવાબદારી પર ભાર મૂકાય તેવી શક્યતા છે.
અનેક સ્થળોએ લાઇવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા
કાર્યક્રમ સ્થળ પર મોટી ભીડ ન થાય અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ PM મોદીના સંવાદનો ભાગ બની શકે તે માટે વડોદરાના વિવિધ શૈક્ષણિક અને મુખ્ય કેન્દ્રો પર લાઇવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ વ્યવસ્થાથી ટેક-સેવી યુવાનો પોતાના કેમ્પસ અને શૈક્ષણિક સંસ્થાઓમાંથી PM મોદીના કાર્યક્રમ સાથે સીધા જોડાઈ શકશે.
PM મોદીની 8 સપ્ટેમ્બરની વડોદરા મુલાકાતને લઈને શહેરમાં એક તરફ ભવ્ય સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ યુવાનો સાથે સીધા સંવાદ દ્વારા ‘વિકસિત ભારત’ના વિઝનને વધુ વ્યાપક બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.




