Vadodara News: વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષર ફોરેન એજ્યુકેશન કન્સલ્ટન્સીના સંચાલક અનિત ઉર્ફે અતિત બારોટ સામે કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને 17 લોકો સાથે ₹2,30,95,600થી વધુની છેતરપિંડી કરવાનો ગંભીર આરોપ નોંધાયો છે. ફરિયાદી ધવલભાઈની અરજીના આધારે કારેલીબાગ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ કૌભાંડ માત્ર વડોદરા સુધી મર્યાદિત નહોતું. ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા અને અંકલેશ્વર સહિતના વિસ્તારોના લોકો પણ આ ઠગાઈનો ભોગ બન્યા હતા. તપાસ મુજબ, કેનેડા મોકલવાના બહાને અલગ-અલગ અરજદારો પાસેથી ₹3 લાખથી લઈને ₹22 લાખ સુધીની રકમ વસૂલવામાં આવી હતી. જોવિવેલ ક્રિસ્ટી, જયદીપ રબારી, ભગીરથ સાંગાણી અને કેતન ઠક્કર સહિત અનેક પીડિતોની ઓળખ થઈ છે.
ફરિયાદી ધવલભાઈ વડોદરાની એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કાર્યરત છે. તેઓ ફેબ્રુઆરી 2024માં વર્ક પરમિટ પર કેનેડા જવા ઇચ્છતા હતા. આ દરમિયાન તેમની પત્નીના સહકર્મી પીયૂષ શાહે તેમને અતિત બારોટનો સંપર્ક કરાવ્યો. મુલાકાત દરમિયાન આરોપીએ કેનેડા મોકલવા માટે કુલ ₹17 લાખનો ખર્ચ હોવાનું જણાવી અડધી રકમ અગાઉથી અને બાકીની રકમ કેનેડા પહોંચ્યા બાદ પગારમાંથી કપાઈ જશે તેવી ખાતરી આપી હતી.
આશ્વાસનના આધારે ધવલભાઈએ બેંક ટ્રાન્સફર અને ચેક મારફતે લાખો રૂપિયા ચૂકવ્યા. ત્યારબાદ આરોપીએ ATCO Limited કંપનીના નામે LMIA (Labour Market Impact Assessment) મંજૂરી પત્ર ઈ-મેઇલ દ્વારા મોકલ્યો. જોકે, ધવલભાઈએ દસ્તાવેજની ચકાસણી માટે કંપનીનો સંપર્ક કરતાં જાણવા મળ્યું કે મોકલાયેલો LMIA પત્ર સંપૂર્ણપણે બનાવટી અને ખોટો હતો.
છેતરપિંડીનો ભાંડો ફૂટ્યા બાદ ધવલભાઈએ પોતાના પૈસા પરત માંગ્યા હતા. આરોપીએ તેમને ₹7.80 લાખનો ચેક આપ્યો, પરંતુ તે બેંકમાં રજૂ કરતાં બાઉન્સ થઈ ગયો. ત્યારબાદ ધવલભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.
પોલીસના જણાવ્યા અનુસાર, વિદેશમાં નોકરી અપાવવાના બહાને બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. કારેલીબાગ પોલીસે અતિત બારોટ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજોના ઉપયોગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




