Vadodara News: વડોદરા જિલ્લાના ડભોઈ નગરપાલિકાના લાઇટિંગ વિભાગના એક કર્મચારીને ફરજમાં બેદરકારી બદલ 6 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો જે રસ્તા પરથી પસાર થયો હતો, તે રૂટ પર 12 સ્ટ્રીટલાઈટ બંધ હતી, જ્યારે કેટલીક લાઇટો ઝબકી રહી હતી. આ મામલે નગરપાલિકાના વહીવટીતંત્રે લાઇટિંગ વિભાગના ચાર્જ ક્લાર્ક મહેશ વસાવા સામે કાર્યવાહી કરી છે.
ડભોઈ નગરપાલિકાના મુખ્ય અધિકારી વિરાજ શાહે મહેશ વસાવાને સસ્પેન્શનનો આદેશ જારી કર્યો હતો. આદેશમાં જણાવાયું છે કે નગરપાલિકાની સૂચનાઓ છતાં સ્ટ્રીટલાઈટના જરૂરી સમારકામ સમયસર કરવામાં આવ્યા નહોતા. વસાવાને સસ્પેન્શનનો સમયગાળો પૂર્ણ થયા બાદ સક્ષમ અધિકારી સમક્ષ હાજર રહી પોતાની બેદરકારી અંગે ખુલાસો કરવા પણ જણાવાયું છે.
ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ હેઠળ કાર્યવાહી
મહેશ વસાવા સામે ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ 1963ની કલમ 48 હેઠળ 31 ઓક્ટોબરના રોજ સસ્પેન્શનનો આદેશ આપવામાં આવ્યો હતો. આ કલમ હેઠળ યોગ્ય અને પૂરતા કારણોસર નગરપાલિકાના અધિકારી કે કર્મચારી સામે દંડાત્મક કાર્યવાહી કરવાની જોગવાઈ છે.
PM મોદીએ હેલિકોપ્ટરના બદલે 90 કિમીનો રોડ પ્રવાસ કર્યો હતો
31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોએ એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ બાદ તેઓ હેલિકોપ્ટર મારફતે વડોદરા એરપોર્ટ જવાના હતા. જોકે, સાંજ નજીક આવતાં હેલિકોપ્ટરના બદલે લગભગ 90 કિલોમીટરનો પ્રવાસ રોડ માર્ગે કર્યો હતો.
સિનોર ક્રોસિંગથી સરિતા બ્રિજ સુધીની લાઇટો બંધ હતી
સસ્પેન્શન આદેશમાં જણાવ્યા મુજબ, VIP મહાનુભાવોના આગમનને ધ્યાનમાં રાખીને નગરપાલિકાના વિવિધ વિભાગોને સ્વચ્છતા, રખડતાં પશુઓના નિયંત્રણ અને સ્ટ્રીટલાઈટની જાળવણી સહિતની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. લાઇટિંગ વિભાગના ચાર્જ ક્લાર્ક તરીકે સ્ટ્રીટલાઈટનું યોગ્ય સંચાલન અને જાળવણી સુનિશ્ચિત કરવાની જવાબદારી મહેશ વસાવાની હતી.
આદેશમાં સિનોર ક્રોસિંગથી ભોગોળ વિસ્તાર થઈને સરિતા બ્રિજ સુધીના માર્ગ પર 12 સ્ટ્રીટલાઈટ બંધ હોવાનો અને કેટલીક લાઇટો ઝબકતી હોવાનો ઉલ્લેખ છે. નગરપાલિકા તરફથી અગાઉ પણ સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં સમારકામ સમયસર ન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
6 નવેમ્બરે વ્યક્તિગત સુનાવણી માટે હાજર થવાનો આદેશ
મહેશ વસાવાને 6 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે સક્ષમ અધિકારી સમક્ષ વ્યક્તિગત સુનાવણી માટે હાજર રહેવા જણાવાયું છે. આ દરમિયાન તેમને સોંપવામાં આવેલી ફરજો યોગ્ય રીતે ન બજાવવા અંગે ખુલાસો કરવો પડશે. આદેશમાં તેમની સામે અગાઉ પણ અનેક ફરિયાદો મળી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ તેમને સોંપવામાં આવેલી વધારાની જવાબદારીઓ અને ચાર્જ પણ પાછા ખેંચી લેવામાં આવ્યા છે.




