Brijraj Solanki AAP: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નીકળેલી ‘આદિવાસી ન્યાય યાત્રા’નો આજે 11મો દિવસ હતો અને આ દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા તથા શકુન્તલાબેન વસાવા સહિત પાર્ટીના આગેવાનોએ અંબાજી ખાતે માતાજીના દર્શન કર્યા હતા અને ધારાસભ્ય ચૈતર વસાવાને ઝડપથી ન્યાય મળે એ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ દાંતા ખાતે જનસભા યોજાઇ હતી. આ સભામાં આમ આદમી પાર્ટીના શીર્ષસ્થ નેતાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આમ આદમી પાર્ટી યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકી સાથે સાથે ચૈતરભાઈના ધર્મપત્નીઓ શ્રીમતી શકુંતલાબેન વસાવા અને શ્રીમતી વર્ષાબેન વસાવા, પ્રદેશ ઉપપ્રમુખ યુવરાજસિંહ જાડેજા, પ્રદેશ ઉપપ્રમુખ રાજુભાઈ વલવાઈ, પ્રદેશ સંગઠન મંત્રી કમલેશ પટેલ, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા સાથે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને સરકાર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.

આ જનસભામાં આમ આદમી પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ Brijraj Solankiએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના લડાયક અને આદિવાસી સમાજના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ઉમરગામથી અંબાજી સુધી નીકળેલી આદિવાસી ન્યાય યાત્રા આજે અંબાજી સુધી પહોંચી હતી અને સફળતાપૂર્વક યાત્રાની પૂર્ણાહુતિ થઈ છે. ઘણા બધા યુવાનોના મને ફોન આવ્યા હતા અને એમણે જણાવ્યું હતું કે ચૈતરભાઈની સભામાં જઈએ તો એ લોકોને ધાકધમકી મળે છે. તો હું ભાજપના નેતાઓને કહેવા માગું છું કે તમે ગમે તેટલો અન્યાય કર્યો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો કે જેલમાં નાખો પરંતુ હવે આદિવાસી સમાજ તમને મોરેમોરો દેવા માટે તૈયાર છે. ચૈતર વસાવા ફક્ત એક નામ નથી પણ બ્રાન્ડ છે. હવે ઉમરગામથી અંબાજી સુધી ભાજપના સૂપડા સાફ થવાના છે. ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજની સાથે સાથે એસસી, ઓબીસી, ખેડૂતો, મજૂરો અને યુવાનો માટે અવાજ ઉઠાવતા હતા માટે તેમને ખોટી રીતે જેલમાં મોકલવામાં આવ્યા. જો ભાજપને એવું લાગતું હોય કે ચૈતર વસાવાને જેલમાં નાખવાથી આદિવાસી સમાજ ડરી જશે તો હું એમને કહેવા માગું છું કે તમે એક ચૈતર વસાવાને જેલમાં નાખ્યા છે તો ત્યાં અમે ઘરે ઘરે ચૈતર વસાવા પેદા કરીશું. નેત્રંગમાં પીએમ મોદીની સભામાં 5-7 હજાર લોકો આવ્યા હતા અને એ જ દિવસે ધારાસભ્ય ચૈતર વસાવાની સભામાં 1 લાખ લોકો આવ્યા હતા અને ત્યારબાદ પીએમ મોદીની ઊંઘ હરામ થઈ ગઈ હતી, એટલા માટે ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં નાંખવાનું કામ કરવામાં આવ્યું. વર્ષાબેન અને શકુંતલાબેન વસાવા આદિવાસી સમાજના મહિલાઓનું નેતૃત્વ કરવા માટે નીકળ્યા છે. 2027ની ચૂંટણીમાં જેલનો જવાબ વોટથી દેવાનો છે.

ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની વર્ષાબેન અને શકુંતલાબેન વસાવાએ લોકોને ભાવુક અપીલ કરતા જણાવ્યું હતું કે, તમારો દીકરો આજે જેલમાં છે અને આપણે તેનો જવાબ 2027ની ચૂંટણીમાં આપવાનો છે. અત્યારે તમારી દીકરીઓ અને પરિવારનું મનોબળ વધારવા માટે તમારા સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે, કારણ કે તમારો સહકાર જ અમારું મનોબળ મજબૂત કરે છે. આવી જ રીતે અમને સાથ-સહકાર આપતા રહેજો, આપણે સૌએ ખૂબ આગળ વધવાનું છે અને આ મુશ્કેલ સમયમાં તમારા સમર્થનની અમને સૌથી વધુ આવશ્યકતા છે. જ્યારે ઘરનો મુખ્ય સભ્ય જેલમાં હોય ત્યારે પાછળ તેમનો પરિવાર તેમના વગર કેવી રીતે દિવસો વિતાવતો હોય છે, તેની વેદના અમે સારી રીતે જાણીએ છીએ. તેથી જ હું આશા રાખું છું કે તમે અમને સાથ આપશો અને ૨૦૨૭માં અન્યાય સામે મક્કમતાથી જવાબ આપશો. આપણા સૌ આદિવાસી સમાજે એક થઈને લડવું પડશે. આપણા ધારાસભ્ય ચૈતર વસાવા અત્યાર સુધી આદિવાસીઓના હક અને સમાજના ઉત્થાન માટે લડતા આવ્યા છે. આજે ઉમરગામથી અંબાજી સુધી ૧ કરોડ અને ૨૫ લાખની આદિવાસી વસ્તી છે, આપણો આદિવાસી સમાજ ખૂબ મોટો છે અને હવે આદિવાસી સમાજે જાગી જવાની જરૂર છે. ધારાસભ્ય ચૈતર વસાવા હંમેશાં ખેડૂતો અને સામાન્ય લોકો માટે પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે, ત્યારે આ ભાજપની તાનાશાહી સરકાર તેમને ખોટી રીતે જેલમાં પૂરી રહી છે. જેથી આપણે બધાએ 2027માં વોટ રૂપી તાકાતથી આનો બદલો લેવાનો છે.