Gopal Italia News: ભાડથર ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરુભાઈ કંડોરિયાના સમર્થનમાં એક ભવ્ય જનસભા યોજાઈ હતી, જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય Gopal Italia અને ધારાસભ્ય હેમંત ખવા સહિતના શીર્ષ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનોએ હાજરી આપીને AAP ઉમેદવારને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. જનમેદનીને સંબોધતા ઈસુદાન ગઢવીએ રાજ્યના ૫૪ લાખ ખેડૂતો, ૩૦ લાખ ભાગિયાઓ અને ૧ કરોડ ૨૦ લાખ મજૂરોના અધિકારો માટે અવાજ ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભૂતકાળના ‘મહામંથન’ કાર્યક્રમની યાદ અપાવતા જણાવ્યું કે જ્યારે માધ્યમોમાં ખેડૂતોના પ્રશ્નોને સ્થાન નહોતું મળતું, ત્યારે આ કાર્યક્રમે પ્રજાને જાગૃત કરી સરકારને ઝૂકવા મજબૂર કરી હતી. વધુમાં, પાક નિષ્ફળ જવાને કારણે અને આર્થિક દેવાના બોજ તળે દબાઈને આત્મહત્યા કરનારા જામનગર અને કોડીનારના ખેડૂતોના પરિવારોની દુઃખદ મુલાકાતોનો ઉલ્લેખ કરી તેમણે ખેડૂત વેદના રજૂ કરી હતી. ખેડૂતોના હિતમાં અને તેમને દુષ્કાળગ્રસ્ત રાહત અપાવવા માટે પોતે ગાંધીનગરમાં પોતાના જીવના જોખમે અનિશ્ચિત કાળના ધરણા પર બેઠા હતા તે બાબત તેમણે દોહરાવી હતી.
ભાજપ સરકાર પર પ્રહારો કરતા ઈસુદાન ગઢવીએ જણાવ્યુ હતુ કે, ખેડૂતોના દુઃખ-દર્દમાં ગાયબ રહેતા શાસક પક્ષના નેતાઓ અને દલાલો હવે ચૂંટણી આવતા જ ગાડીઓ ભરીને મત માંગવા નીકળી પડ્યા છે. તેમણે ખેડૂતોની જમીનો પરથી પસાર થતી વીજ કંપનીઓના થાંભલાઓ અને લાઈનોના મુદ્દે મોટો પર્દાફાશ કરતા જણાવ્યું કે, ચૂંટણી પૂર્ણ થતાં જ વધુ ૧૦ કંપનીઓ થાંભલા નાખવાનું કામ શરૂ કરવાની છે. ખેડૂતો પોતાના વાંધા રજૂ ન કરી શકે તે માટે જાણીજોઈને હિન્દી વર્તમાનપત્રોમાં અસ્પષ્ટ જાહેરાતો છાપવામાં આવી છે અને ચૂંટણી સુધી આ વિગતો છુપાવવાનો પ્રયાસ કરાયો છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને આપેલા ‘વિષાદ યોગ’ અને સત્યના માર્ગે લડવાના ઉપદેશનો દાખલો આપતા તેમણે લોકોને આ છેલ્લી તક ઝડપી લેવા આહ્વાન કર્યું હતું. તેમણે ઉમેર્યું કે આ લડાઈ માત્ર એક બેઠક પૂરતી સીમિત નથી, પરંતુ ૨૦૨૭ સુધીમાં સમગ્ર ગુજરાતના ખેડૂતો, માલધારીઓ અને શ્રમિકોને એક તાંતણે બાંધીને તેમના અધિકારો પુનઃસ્થાપિત કરવાનો મુખ્ય ધ્યેય છે.
જનસભાને સંબોધતા વિસાવદરના ધારાસભ્ય Gopal Italiaએ ભાજપ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ૩૦ વર્ષથી આખા કાઠિયાવાડ અને ગુજરાતના ખેડૂતો પાણી અને વીજળી જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે સતત પીડાઈ રહ્યા છે. પ્રજાએ સતત ત્રણ દાયકા સુધી ભાજપને મત આપ્યા હોવા છતાં, દર વખતે ચૂંટણી આવે ત્યારે ‘સૌની યોજના’ કે ડેમ ભરવાના નામે જ મત માંગવામાં આવે છે. પાણી એ કુદરતી સંપત્તિ છે, પરંતુ જો સરકારે દાનત રાખીને દરેક ગામદીઠ બે-પાંચ ચેકડેમ અને ત્રણ-ત્રણ તળાવ બનાવવાની સરકારી ગ્રાન્ટ આપી હોત, તો વરસાદનું એક-એક ટીપું દરિયામાં વહી જવાને બદલે જમીનમાં ઉતરી ગયું હોત અને દર ચૂંટણીએ પાણીના નામે મત માંગવાનો મુદ્દો જ કાયમ માટે પૂરો થઈ ગયો હોત. એવી જ રીતે ખેતીની વીજળી અંગે તેમણે ખેડૂતોની વ્યથા રજૂ કરતા કહ્યું કે, ખેતરોમાં થાંભલા ઊભા હોવા છતાં કૂવા કાંઠે ખેડૂત તરસ્યો રહે છે અને પૂરતી વીજળી મળતી નથી. વારંવાર વીજળીના ઝટકા આવે છે અને ફોલ્ટ થાય છે, જેનું મુખ્ય કારણ એ છે કે કંપનીઓ અને નેતાઓ પોતાના ફાયદા માટે જાણીજોઈને નબળી ગુણવત્તાના થાંભલા, તાર અને ટીસી (ટ્રાન્સફોર્મર) વાપરે છે જેથી વારંવાર રિપેરિંગ અને કમાણીનો ધંધો ચાલુ રહે. તેમણે સ્પષ્ટ કર્યું કે પેટાચૂંટણી કે રાજકીય પક્ષો કરતાં સામાન્ય ખેડૂતનું જીવન, સન્માન અને સુખ-શાંતિ વધુ મહત્વના છે. ભાજપ સરકાર છેલ્લા ૩૦ વર્ષથી પાણી અને વીજળીના ગાજર બતાવીને કાઠિયાવાડના ખેડૂતોને દબાવી રહી છે.




