Gujarat News: ગુજરાતમાં કેન્સરનો બોજ સતત વધી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં કેન્સરના કેસ અને તેના કારણે થતા મૃત્યુમાં આશરે 10 ટકા વધારો નોંધાયો છે. હાલ રાજ્યમાં દર વર્ષે 79 હજારથી વધુ નવા કેન્સરના દર્દીઓ સામે આવી રહ્યા છે, જ્યારે 43,500થી વધુ લોકો દર વર્ષે કેન્સરથી જીવ ગુમાવી રહ્યા છે. દેશભરમાં કેન્સર સંબંધિત મૃત્યુના મામલે ગુજરાત નવમા ક્રમે છે.

દરરોજ 217 નવા દર્દી, 119 લોકોના મોત

આરોગ્ય વિભાગ અને તાજેતરના આંકડા મુજબ ગુજરાતમાં દરરોજ સરેરાશ 217 લોકોને કેન્સરનું નિદાન થાય છે, જ્યારે દરરોજ સરેરાશ 119 દર્દીઓનું કેન્સરના કારણે મૃત્યુ થાય છે. વર્ષ 2021માં રાજ્યમાં 71,507 કેસ અને 39,238 મૃત્યુ નોંધાયા હતા, જ્યારે હવે આ આંકડો વધીને 79 હજારથી વધુ કેસ અને 43,500થી વધુ મૃત્યુ સુધી પહોંચી ગયો છે.

પુરુષોમાં મોઢાનું, મહિલાઓમાં સ્તન કેન્સર સૌથી વધુ

અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI)ના જણાવ્યા મુજબ, પુરુષોમાં મોઢાનું કેન્સર સૌથી સામાન્ય છે, જેનું મુખ્ય કારણ તમાકુ, ગુટખા, બીડી અને સિગારેટનું વ્યસન છે. બીજી તરફ મહિલાઓમાં સ્તન કેન્સર સૌથી વધુ જોવા મળે છે, જ્યારે સર્વાઇકલ કેન્સર બીજા ક્રમે છે.

જીવનશૈલી અને પ્રદૂષણ મુખ્ય કારણ

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, બદલાતી જીવનશૈલી, ખોરાકમાં ભેળસેળ, વધતું પ્રદૂષણ અને તમાકુનું વ્યસન કેન્સરના કેસોમાં વધારો થવાના મુખ્ય કારણો છે. ગુજરાતની સારવાર વ્યવસ્થા પર વિશ્વાસને કારણે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર માટે અમદાવાદ આવે છે.

GCRIમાં અન્ય રાજ્યોના હજારો દર્દીઓ

ગયા વર્ષે અમદાવાદની સિવિલ કેન્સર હોસ્પિટલ અને GCRIમાં 26 હજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા હતા. તેમાંના આશરે 9 હજાર દર્દીઓ (35 ટકા) ગુજરાત બહારના રાજ્યોમાંથી સારવાર માટે આવ્યા હતા.

નિષ્ણાતોની સલાહ

ડોક્ટરોના જણાવ્યા મુજબ, કેન્સરનો સમયસર શોધ થાય તો તેની સારવાર શક્ય છે. ખાસ કરીને પ્રથમ અને બીજા તબક્કામાં નિદાન થાય તો દર્દી સંપૂર્ણપણે સાજો થઈ શકે છે.