Surat News: સુરતના અડાજણ વિસ્તારમાં મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો. PCR-56ને એક મહિલાના આત્મહત્યાના પ્રયાસ અંગે ફોન મળ્યો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ ટીમ સમય બગાડ્યા વિના ઘટનાસ્થળે રવાના થઈ હતી.

પોલીસના જણાવ્યા મુજબ, PCR ટીમ માત્ર 2 મિનિટ અને 10 સેકન્ડમાં આપેલા સરનામે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પોલીસકર્મીઓએ બારીમાંથી જોતા મહિલાને ગંભીર હાલતમાં જોઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને પોલીસકર્મીઓએ તાત્કાલિક દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.

પોલીસે મહિલાને ફાંસીમાંથી નીચે ઉતારી હતી અને સ્થળ પર જ CPR તથા પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી અને મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સમયસર પોલીસની મદદ અને તબીબી સારવાર મળતાં મહિલાનો જીવ બચી ગયો હોવાનું જણાવાયું છે. હાલ તેની સ્થિતિ સ્થિર છે અને તે ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસની ઝડપી કામગીરીનો વીડિયો સામે આવ્યો

આ સમગ્ર બચાવ કામગીરીનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં પોલીસકર્મીઓ મહિલાને બચાવવા માટે ઝડપથી કાર્યવાહી કરતા જોવા મળી રહ્યા છે. ઘટનામાં પોલીસની તત્પરતા અને ઝડપી પ્રતિસાદની ચર્ચા થઈ રહી છે.

બચાવ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ જયંતિલાલ રાઠોડ, PCR પાઇલટ ઋત્વિક કોંકણી, FOP રાજ શર્મા અને અડાજણ PCR-56ના કોન્સ્ટેબલ સાગરભાઈ જોડાયા હતા.

અડાજણ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એન.એ. ચાવડાએ ઘટના તેમજ સામે આવેલા વીડિયોની પુષ્ટિ કરી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી અને સમયસર કાર્યવાહી કરીને એક અમૂલ્ય જીવ બચાવ્યો હતો.