Surat: સુરતના વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર ગર્ભપાત અને ભ્રૂણહત્યા કરતી ગેંગ ફરી ફૂલીફાલી રહી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આરોગ્ય વિભાગે વરાછા રોડ પર આવેલી મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દરોડા પાડીને આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે.
જેલમાંથી છૂટતાંની સાથે જ યમદૂત ફાર્માસિસ્ટ બની ગયો અને તેણે પોતાનો વ્યવસાય ફરી શરૂ કર્યો.
આ સમગ્ર રેકેટનો માસ્ટરમાઈન્ડ રામ ગોપાલ ખંડેલવાલ છે, જે લાયકાત ધરાવતા ડૉક્ટર નથી પણ માત્ર એક ફાર્માસિસ્ટ છે. આશ્ચર્યની વાત એ છે કે, રામ ગોપાલ 2025માં વરાછાની શિવાય હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાત કરાવતો પકડાયો હતો.જામીન પર છૂટ્યા બાદ તેણે પોતાની જાતને સુધારવાને બદલે મમતા હોસ્પિટલના નામથી નવી હોસ્પિટલ ખોલી હતી.
દરોડા દરમિયાન શું મળ્યું?
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલની ટીમે અચાનક હોસ્પિટલના પહેલા અને બીજા માળે દરોડો પાડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તપાસ દરમિયાન ત્રણ ગર્ભવતી મહિલાઓ મળી આવી હતી જેઓ ત્યાં ગેરકાયદેસર ગર્ભપાત કરાવવા આવી હતી. હોસ્પિટલમાં સફાઈ કરી રહેલી એક મહિલાએ કબૂલાત કરી હતી કે રામ ગોપાલ ખંડેલવાલ પોતે અહીં મહિલાઓનું ઓપરેશન કરાવતા હતા. દરોડા દરમિયાન અંધાધૂંધીનો લાભ લઈને વ્યારાની 24 વર્ષની સગર્ભા મહિલા ત્યાંથી નાસી છૂટી હતી, જ્યારે અન્ય બે મહિલાઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
પોલીસ કાર્યવાહી અને હોસ્પિટલ સીલ
આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને મમતા હોસ્પિટલને સંપૂર્ણ સીલ કરી દીધી છે. વરાછા પોલીસે ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ સામે પીસી અને પીએનડીટી એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના પ્રયાસો શરૂ કર્યા છે. પોલીસ હવે આ રેકેટમાં અન્ય ઉચ્ચ કક્ષાના લોકો કે ડોક્ટર્સ પણ સામેલ છે કે કેમ તેની તપાસ કરી રહી છે.




