Surat: સુરતના સરથાણામાં યોગી ચોક પાસેની સોસાયટીમાં રહેતી 29 વર્ષીય પરિણીત મહિલાએ તેના ચાર મહિનાના પુત્રને એસિડ પીવડાવી દીધુ અને બાદમાં પોતે પણ એસિડ પી લીધું, જેના કારણે માતા અને પુત્ર બંનેનું મોત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ, બાળકના જન્મ પછી માનસિક સ્થિતિ બગડવાને કારણે મહિલાએ આત્મહત્યા કરી હતી.
મહિલાના લગ્ન દોઢ વર્ષ પહેલા જ થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના ધારીની વતની અને હાલમાં સરથાણાના યોગી ચોકના એવોન હાઇટ્સમાં રહેતી 29 વર્ષીય ધારાના લગ્ન લગભગ દોઢ વર્ષ પહેલા થયા હતા. ચાર મહિના પહેલા તેણીએ એક પુત્ર રિશાનને જન્મ આપ્યો હતો. ધારા છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતી હતી અને દવા લઈ રહી હતી. બાળકના જન્મ પછી તેની માનસિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. તેનો પરિવાર તેના બગડતા સ્વાસ્થ્ય અંગે ખૂબ ચિંતિત હતો. માનસિક તણાવ એટલો ગંભીર બની ગયો હતો કે ધારાએ છેલ્લા બે થી ત્રણ દિવસથી ખાવા-પીવાનું બંધ કરી દીધું હતું અને તે ગંભીર ડિપ્રેશનમાં સરી પડી હતી.
૧ જૂનની સાંજે, ધારાએ તેના ચાર મહિનાના પુત્ર પર એસિડ છાંટી દીધું અને પછી પોતે પણ તે પી લીધું. ઘટનાની જાણ થતાં, પડોશીઓ અને પરિવારના સભ્યો તાત્કાલિક હોસ્પિટલમાં દોડી ગયા અને બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે દાખલ કર્યા. જોકે, ટૂંકી સારવાર બાદ, બાળક અને માતા બંનેનું મોત નીપજ્યું.
ઘટનાની માહિતી મળતાં, સરથાણાથી પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલમાં દોડી ગયો. પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




