Surat News: દિવાળીના તહેવાર દરમિયાન સુરતના એક કાપડના વેપારીએ પોતાના કર્મચારીઓને એવી ભેટ આપી છે કે તેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. સામાન્ય રીતે દિવાળી પર કર્મચારીઓને મીઠાઈ, ગિફ્ટ અથવા થોડા હજાર રૂપિયાનું બોનસ આપવામાં આવે છે, પરંતુ સુરતના ઉદ્યોગપતિએ પોતાના 20 કર્મચારીઓને ₹1 લાખથી વધુનું બોનસ આપીને સૌને ચોંકાવી દીધા છે. આ અનોખી ભેટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
કર્મચારીઓને બોનસ મળતાં ચહેરા પર છવાઈ ખુશી
અહેવાલ મુજબ સુરતના કાપડના વેપારી રામસ્વરૂપ મુંડેએ પોતાના 20 કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે ₹1 લાખથી વધુની રકમ આપી હતી. વાયરલ વીડિયોમાં અલગ-અલગ મૂલ્યની ₹10, ₹20, ₹50, ₹100, ₹200 અને ₹500ની નોટો એક પ્લેટમાં વ્યવસ્થિત રીતે ગોઠવેલી જોવા મળે છે.
આટલી મોટી રકમ દિવાળી ભેટ તરીકે મળતાં કર્મચારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બોનસનું વિતરણ કરતી વખતે કેટલાક કર્મચારીઓ ભાવુક પણ થઈ ગયા હતા. એક મહિલા કર્મચારીની આંખોમાં તો ખુશીનાં આંસુ આવી ગયાં હતાં. આ પ્રસંગે વેપારીના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા.
બાળપણની ગરીબીમાંથી મળ્યો અનોખી ભેટ આપવાનો વિચાર
વેપારી રામસ્વરૂપ મુંડેએ જણાવ્યું હતું કે તેમણે પોતાના બાળપણમાં ભારે ગરીબીનો અનુભવ કર્યો છે. દિવાળીના તહેવાર દરમિયાન પરિવારોને થતી આર્થિક મુશ્કેલીઓનો તેમને ખ્યાલ છે. આ જ અનુભવમાંથી તેમને કર્મચારીઓને મોટી રકમનું બોનસ આપવાનો વિચાર આવ્યો હતો.
તેમના મતે તેમની દુકાનમાં કામ કરતા લોકો માત્ર કર્મચારીઓ નથી પરંતુ પરિવારના સભ્યો સમાન છે. આખું વર્ષ તેઓ મહેનત અને સમર્પણથી વ્યવસાય ચલાવવામાં મદદ કરે છે. તેથી દિવાળીના તહેવાર પર તેઓ પણ પોતાના પરિવાર સાથે કોઈ આર્થિક ચિંતા વિના ખરીદી કરી શકે અને ખુશીથી તહેવાર ઉજવી શકે તેવો તેમનો હેતુ હતો.
સોશિયલ મીડિયા પર વેપારીની દિલદારીનાં વખાણ
રામસ્વરૂપ મુંડેના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. કર્મચારીઓની મહેનતનું મૂલ્ય સમજીને તેમને મોટી રકમનું બોનસ આપવાના વેપારીના અભિગમને લોકો આવકારી રહ્યા છે. દિવાળીની ભેટના આ વીડિયોએ કર્મચારી અને માલિક વચ્ચેના સંબંધનું એક ભાવુક ઉદાહરણ રજૂ કર્યું છે.




