Surat Ghost Bicycle: સુરતના રસ્તાઓ પર હાલ એક અનોખી સાયકલ ચર્ચાનો વિષય બની છે, જે ડ્રાઇવર વગર પોતે જ ચાલતી જોવા મળે છે. લોકો તેને “ભૂત સાયકલ” કહી રહ્યા છે. આ અનોખી સાયકલ શિવમ મોર્ય અને તેમના સાથી ગુરપ્રીત અરોરા દ્વારા બનાવવામાં આવી છે.
લગભગ ત્રણ મહિનાની મહેનત બાદ તૈયાર થયેલી આ સાયકલ કૃત્રિમ બુદ્ધિ (AI) આધારિત સિસ્ટમ પર કાર્ય કરે છે. તેમાં એવો મિકેનિઝમ છે કે પેડલ આપમેળે ફરતા દેખાય છે અને સાયકલ સંપૂર્ણ સંતુલન સાથે રસ્તા પર ચાલે છે, જેના કારણે લોકોને એવું લાગે છે કે કોઈ અદ્રશ્ય વ્યક્તિ તેને ચલાવી રહ્યો છે. આ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે આશરે ₹35,000 નો ખર્ચ થયો છે.
આ સાયકલને ત્રણ રીતે ચલાવી શકાય છે. પ્રથમ સ્માર્ટફોન એપ દ્વારા, જેમાં મોબાઇલથી દિશા અને નિયંત્રણ કરી શકાય છે. બીજું રિમોટ કંટ્રોલ દ્વારા, જેમાં સાયકલને આગળ-પાછળ અને વાળવી શકાય છે. ત્રીજો ઓટોમેટિક મોડ છે, જેમાં સાયકલને સંપૂર્ણ સ્વચાલિત રીતે રૂટ સેટ કરીને ચલાવી શકાય છે.
ટેક્નોલોજી બાબતે, સાયકલમાં બેટરી, કંટ્રોલર, Raspberry Pi, મોટર અને લિનિયર એક્ટ્યુએટર જેવા ઉપકરણોનો ઉપયોગ થયો છે. આગળના વ્હીલમાં લગાવેલી મોટર સાયકલને ગતિ આપે છે, જ્યારે એક્ટ્યુએટર હેન્ડલને ડાબે-જમણે ફેરવે છે. આ તમામ સિસ્ટમ મળીને સાયકલને માનવ વિના ચલાવવાની ક્ષમતા આપે છે.
Creative Science નામની યુટ્યુબ ચેનલ દ્વારા જાણીતા શિવમ મૌર્ય પહેલાથી જ અનેક નવીન પ્રોજેક્ટ્સ માટે ચર્ચામાં રહ્યા છે. તેમની ટીમે અગાઉ પણ AI આધારિત બાઇક અને અન્ય ઇનોવેશન તૈયાર કર્યા છે.
સાયકલના ટેસ્ટ દરમિયાન લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઘણા લોકોએ પોતાના વાહનો રોકીને વીડિયો બનાવ્યા, જ્યારે કેટલાક બાળકો ડરી ગયા હતા. યુવાનોમાં ખાસ કરીને આ ટેક્નોલોજી વિશે જાણવા ઉત્સુકતા જોવા મળી હતી.
આ અનોખી “ભૂત સાયકલ” હવે સુરતમાં ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ છે અને યુવાનોની નવીનતા અને ટેક્નોલોજી પ્રત્યેની રસિકતા દર્શાવે છે.




