Surat News: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સુરતમાં ગેરકાયદેસર દારૂના વેપારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખાંડ બજારમાં પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂની 645 બોટલો જપ્ત કરી છે. આ મામલે ભાજપના વોર્ડ નંબર 12ના મહામંત્રી હોવાનું કહેવાતા 62 વર્ષીય વિજય રતિલાલ મોદી અને કરણ પાનવાલાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે વિજય મોદીનો પુત્ર રાજ મોદી ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે.
બાતમીના આધારે લક્ષ્મી ભવનમાં દરોડો
પોલીસના જણાવ્યા અનુસાર લાલગેટ પોલીસને બાતમી મળી હતી કે ખાંડ બજારમાં SMC પાર્કિંગ પાછળ આવેલા લક્ષ્મી ભવનના પ્રથમ માળે રહેતા વિજય મોદી અને તેનો પુત્ર રાજ મોદી ઘરમાં વિદેશી દારૂનો સંગ્રહ કરી તેનું વેચાણ કરી રહ્યા છે.
આ બાતમીના આધારે PSI એસ.એ. અસારી અને સર્વેલન્સ ટીમે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. સોલંકીના માર્ગદર્શન હેઠળ સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઘરમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 645 નાની-મોટી બોટલો મળી આવી હતી.
3 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસે દરોડા દરમિયાન 2.65 લાખ રૂપિયાથી વધુ કિંમતનો દારૂ અને આશરે 35 હજાર રૂપિયાની કિંમતના બે મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. આમ, પોલીસે કુલ ₹3,00,519નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કાર્યવાહી દરમિયાન વિજય રતિલાલ મોદી (ઉંમર 62) અને કરણ રાકેશભાઈ પાનવાલા (ઉંમર 29)ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, કરણ પાનવાલા દારૂના પેકિંગ અને વેચાણની કામગીરીમાં સંડોવાયેલો હતો.
વિજય મોદીનો પુત્ર રાજ મોદી ફરાર
આ કેસમાં વિજય મોદીનો પુત્ર રાજ વિજય મોદી વોન્ટેડ જાહેર થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, રાજ મોદી સામે અગાઉ પણ દારૂબંધી કાયદા હેઠળ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. તેની સામે PASA હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે ત્રણેય સામે ગુજરાત નશાબંધી કાયદાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર આરોપી રાજ મોદીને ઝડપી પાડવા માટે પણ તપાસ ચાલી રહી છે. આ ઘટનાને પગલે સુરતના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.




