ગુજરાતના Surat શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકે પોતાના સંબંધીની હીરાની કંપનીમાં નોકરી કરવાની ઈચ્છા ન હોવાને કારણે જ તેના ડાબા હાથની ચાર આંગળીઓ છરી વડે કાપી નાખી હતી. પોતાને નોકરી માટે અયોગ્ય ઠેરવવા તેણે આ ચોંકાવનારું વિચિત્ર પગલું ભર્યું.
આ અંગે માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે આંગળીઓ કાપનાર વ્યક્તિનું નામ મયુર તારાપરા છે. જેની ઉંમર 32 વર્ષ છે. શરૂઆતમાં તેણે ખોટી વાર્તા કહી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વધુ પૂછપરછ દરમિયાન તેણે પોલીસને કહ્યું હતું કે તે રસ્તાના કિનારે બેભાન થઈને પડ્યો હતો અને જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તેણે જોયું કે તેની આંગળીઓ ગાયબ હતી. જોકે પોલીસે કડીઓ જોડીને તેની સઘન પૂછપરછ કરતાં તેણે પોતે ગુનો કર્યાની કબૂલાત કરી હતી.
આ અંગે Surat ક્રાઈમ બ્રાન્ચે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે તારાપરાએ આ પગલું ભર્યું કારણ કે તે તેના પરિવારને કહેવાની હિંમત ન કરી શક્યો કે તે હવે વરાધા મીની બજારમાં સ્થિત તેના સંબંધીની કંપની અનભ જેમ્સમાં કામ કરવા નથી માંગતો . મયુર આ કંપનીના એકાઉન્ટ વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતો હતો અને તેને લાગ્યું કે તેની આંગળીઓ કપાયા બાદ તે આ નોકરી માટે અયોગ્ય થઈ જશે અને તેના પરિવારને જાણ કર્યા વગર તેનું કામ થઈ જશે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન મયુરએ પોલીસને જણાવ્યું હતું કે આ ઘટના 8 ડિસેમ્બરના રોજ બની હતી જ્યારે તે બાઇક પર અમરોલીમાં તેના મિત્રના ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન તેને રિંગ રોડ પર વેદાંત ચોકડી પાસે અચાનક ચક્કર આવ્યા હતા અને તે બેભાન થઇ પડી ગયો હતો . તેણે વધુમાં કહ્યું કે જ્યારે તે 10 મિનિટ પછી ભાનમાં આવ્યો ત્યારે તેણે જોયું કે તેના ડાબા હાથની ચાર આંગળીઓ કપાઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર તે સમયે એવું લાગતું હતું કે કાળા જાદુના ઈરાદે કોઈએ યુવકની આંગળીઓ કાપી નાખી હશે. જોકે વધુ પૂછપરછ દરમિયાન સત્ય બહાર આવ્યું હતું.