Women’s T20 World Cup 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. પસંદગીકારોએ ફરી એકવાર હરમનપ્રીત કૌર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને ટુર્નામેન્ટ માટે કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. આ ગુજરાત માટે ગર્વની ક્ષણ છે કારણ કે વડોદરાની બે ખેલાડીઓને ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનારી વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવી છે.
વડોદરાની રાધા અને યાસ્તિકા ડોમિનેટ
વડોદરાની સ્ટાર સ્પિનર રાધા યાદવ અને વિકેટકીપર-બેટ્સમેન યાસ્તિકા ભાટિયાનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાધા યાદવ તેની શાર્પ બોલિંગ અને ઓલરાઉન્ડ કુશળતા માટે જાણીતી છે. યાસ્તિકા ભાટિયાએ ઈજામાંથી શાનદાર વાપસી કરી છે અને ટીમમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે. બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીને બંને ખેલાડીઓને તેમની મહેનત બદલ અભિનંદન આપ્યા અને તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી.
વર્લ્ડ કપ શેડ્યૂલ
આ હાઇ-વોલ્ટેજ ટુર્નામેન્ટ 12 જૂન, 2026 ના રોજ શરૂ થવાની છે, જેમાં 5 જુલાઈએ ટાઇટલ માટે ફાઇનલ મેચ રમાશે. ODI વર્લ્ડ કપ પછી, ભારતીય ટીમ હવે વર્લ્ડ ચેમ્પિયન બનવાના લક્ષ્ય સાથે T20 ફોર્મેટમાં પ્રવેશ કરશે.
મહિલા T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (ઉપ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમીમા રોડ્રિગ્સ, ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), શ્રી ચરણી, યાસ્તિકા ભાટિયા (બીજી વિકેટકીપર), નંદિની શર્મા, અરુંધતી રેડ્ડી, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડા, શ્રેયંકા પાટિલ અને રાધા યાદવ.
આ ટીમમાં અનુભવી ખેલાડીઓ અને યુવા પ્રતિભાનું સારું સંતુલન છે, જે ભારતને આ વખતે ચેમ્પિયન બનવા માટે મજબૂત દાવેદાર બનાવે છે.




