દિલ્હી કેપિટલ્સે IPL 2024માં જોરદાર એન્ટ્રી કરી છે અને ટીમ પ્લેઓફની રેસમાં મજબૂત છે. ટીમને હવે તેની છેલ્લી 2 મેચ રમવાની છે અને આ બે મેચમાં જીત સાથે તે પ્લેઓફમાં જગ્યા મેળવી શકે છે. ટીમની આગામી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છે પરંતુ આ મેચ પહેલા જ દિલ્હીને જોરદાર ફટકો પડ્યો છે. BCCIએ ટીમના કેપ્ટન રિષભ પંત પર એક મેચનો પ્રતિબંધ લગાવી દીધો છે. આ કારણે પંત હવે બેંગલુરુ સામેની મેચ રમી શકશે નહીં. પંત ઉપરાંત તેના સાથી ખેલાડીઓ પર પણ BCCI દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.

12 મે, રવિવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગલુરુ અને દિલ્હી વચ્ચે મેચ રમાવાની છે, પરંતુ તેના એક દિવસ પહેલા દિલ્હીને આ ખરાબ સમાચાર મળ્યા. IPL તરફથી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ટીમના ધીમા ઓવર રેટના કારણે દિલ્હીના કેપ્ટન પંતને આ સજા મળી છે. દિલ્હીની ટીમે આ સિઝનમાં ત્રીજી વખત આ ભૂલ કરી છે. નિયમો અનુસાર પહેલી અને બીજી વખત આવી ભૂલ કરવા માટે કેપ્ટન અને ટીમને માત્ર દંડ ભરવો પડે છે, પરંતુ ત્રીજી વખત પુનરાવર્તન કર્યા પછી, કેપ્ટન પર સીધો પ્રતિબંધ મૂકવામાં આવે છે.

અપીલનો પણ કોઈ ફાયદો થયો ન હતો
રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ધીમી ઓવર રેટના કારણે મેચ રેફરીએ પંતને આ સજા આપી હતી. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીએ આ નિર્ણય સામે અપીલ કરી હતી, ત્યારબાદ BCCI લોકપાલે તેના પર વર્ચ્યુઅલ સુનાવણી કરી હતી. અહીં પણ દિલ્હી અને પંતને રાહત ન મળી કારણ કે લોકપાલે રેફરીના નિર્ણયને યોગ્ય ગણાવ્યો અને તેને યથાવત રાખ્યો. આ રીતે, એક મેચના સસ્પેન્શન સિવાય પંત પર 30 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. માત્ર પંત જ નહીં પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ અન્ય ખેલાડીઓ અને ઈમ્પેક્ટ પ્લેયરોને પણ 12 લાખ રૂપિયા અથવા મેચ ફીના 50 ટકા (જે ઓછું હોય તે) દંડ ફટકારવામાં આવ્યો છે.

પંતનું જોરદાર પ્રદર્શન
રિષભ પંતે આ સિઝનમાં અત્યાર સુધી 12 ઇનિંગ્સમાં 41ની એવરેજ અને 156ની સ્ટ્રાઇક રેટથી 413 રન બનાવ્યા છે. જે હાલમાં દિલ્હી માટે સૌથી વધુ છે. અકસ્માતના લગભગ દોઢ વર્ષ પછી ક્રિકેટ એક્શનમાં પરત ફરેલા પંતે આ સિઝનમાં 3 અડધી સદી ફટકારી છે અને તે સતત રન બનાવી રહ્યો છે. આવી સ્થિતિમાં દિલ્હીને પંતની ઘણી ખોટ થઈ રહી છે. તે માત્ર શક્તિશાળી બેટિંગ જ નથી કરી રહ્યો, પરંતુ તેની વિકેટ કીપિંગ પણ શાનદાર રહી છે અને તે કેપ્ટનશિપમાં પણ પહેલા કરતા વધુ સારો દેખાઈ રહ્યો છે.