ભારતીય હોકી ટીમે Olympics 2024ના ગ્રુપ સ્ટેજની મેચમાં ઓસ્ટ્રેલિયાને 3-2ના માર્જીનથી હરાવ્યું છે. આ મેચમાં જીત સાથે ભારતીય હોકી ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.
Olympics 2024માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હોકી મેચ રમાઈ હતી. ભારતીય હોકી ટીમે આ મેચ જીતી લીધી છે. હોકીમાં ભારતીય ટીમ માટે આ જીત ઘણી મહત્વની હતી. ભારતીય ટીમ હોકીમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. તેણે આ મેચ 3-2ના માર્જિનથી જીતી લીધી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા બંને Olympics 2024ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચૂક્યા છે, પરંતુ આ જીતથી ભારતીય ટીમનું મનોબળ વધ્યું હશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા તેની નોકઆઉટ મેચોમાં શાનદાર પ્રદર્શન કરી શકશે.
કેવી રહી મેચ?
બંને ટીમો વચ્ચે રમાયેલી આ મેચમાં ભારતીય હોકી ટીમે શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયા પર પ્રભુત્વ જમાવ્યું હતું. ભારત તરફથી અભિષેકે એક અને હરમનપ્રીત સિંહે બે ગોલ કર્યા હતા જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી થોમસ ક્રેગ અને બ્લેક ગોવર્સે ગોલ કર્યા હતા. આ મેચમાં જીત સાથે ભારતીય હોકી ટીમ પૂલ બીના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. ભારતના હવે 5 મેચમાં 10 પોઈન્ટ છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 5 મેચમાં 9 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
ટીમ ઈન્ડિયા 52 વર્ષ પછી જીતી
ભારતે 52 વર્ષ બાદ ઓલિમ્પિકમાં હોકી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ છેલ્લે 1972 ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ સાથે ભારતીય ટીમ સતત બીજા ઓલિમ્પિક મેડલની શોધમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. અત્યાર સુધી તેઓ માત્ર બેલ્જિયમ સામે હાર્યા છે. આ સિવાય તેણે સતત સારું પ્રદર્શન કર્યું છે. ભારતે ઓલિમ્પિકમાં પોતાના અભિયાનની શરૂઆત ન્યૂઝીલેન્ડ સામેની જીત સાથે કરી હતી. ત્યાર બાદ ભારતે આર્જેન્ટિના સામે ડ્રો રમ્યો અને પછી આયર્લેન્ડને હરાવ્યું. બેલ્જિયમની મેચમાં પણ ભારતીય ટીમે સમગ્ર મેચ દરમિયાન પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો, જોકે તેને અંતિમ ક્ષણોમાં મેચ 1-2થી ગુમાવવી પડી હતી.