રોહિત શર્મા એક એવું નામ જે કોઈપણ ટીમને તેના તોફાન વિશે અનુમાન લગાવવા દેતું નથી. T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆતમાં રોહિત શર્માનું બેટ શાંત દેખાતું હતું, ત્યારબાદ તેના ખરાબ ફોર્મની ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી. પણ કોણ જાણતું હતું કે આ તોફાન પહેલાની શાંતિ હતી. રોહિતે ઓસ્ટ્રેલિયા સામે 92 રનની રેકોર્ડબ્રેક ઇનિંગ રમી હતી. જે બાદ ઈંગ્લેન્ડ પણ સેમીફાઈનલ પહેલા ડરી ગયું છે. પૂર્વ કેપ્ટન પોલ કોલિંગવુડે રોહિતના વખાણ કર્યા હતા અને સેમી ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયા માટે મોટી ભવિષ્યવાણી પણ કરી હતી.

ભારતે સુપર-8માં ત્રણેય મેચ જીતીને સેમિફાઇનલની ટિકિટ બુક કરી લીધી છે. નોકઆઉટ મેચમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો એ ટીમ સાથે છે જેણે તેને T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં ઊંડો ઘા આપ્યો હતો. 27 જૂને ભારતે T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડનો સામનો કરવાનો છે અને સ્કોર સેટલ કરવાનો છે. બંને ટીમો વચ્ચેની આ મેચ વેસ્ટ ઈન્ડિઝના ગયાનામાં રમાશે.

પૂર્વ કેપ્ટન પોલ કોલિંગવુડે સેમી ફાઈનલ મેચ પહેલા કહ્યું, ‘ટીમ ઈન્ડિયા આ વખતે શાનદાર ઓલરાઉન્ડરોથી ભરેલી ટીમ છે. ખાસ કરીને જસપ્રીત બુમરાહ અત્યારે જે ફોર્મમાં છે તે ખૂબ જ ખતરનાક છે. બુમરાહ સંપૂર્ણ રીતે ફિટ છે અને તે તેની સંપૂર્ણ શક્તિ સાથે ઝડપી ગતિએ બોલિંગ કરી રહ્યો છે. કોઈ ટીમ પાસે તેમનો કોઈ જવાબ નથી. 120 બોલની મેચમાં જો તમારી પાસે બુમરાહ જેવો ઘાતક બોલર હોય અને તે 24 બોલ ફેંકે તો ઘણો ફરક પડે છે.

પૂર્વ ક્રિકેટરે રોહિત શર્મા વિશે કહ્યું, ‘ટીમ ઈન્ડિયા અમેરિકાની મુશ્કેલ પિચો પર પણ શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી હતી, તેમની પાસે રોહિત શર્મા જેવો બેટ્સમેન છે જેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આટલી શાનદાર ઈનિંગ રમી હતી. તેને જોઈને લાગ્યું કે જાણે તે ફોર્મમાં પાછો આવી ગયો છે. સાચું કહું તો મને નથી લાગતું કે આ વખતે ભારતીય ટીમ હારશે. ભારતને હરાવવા માટે ઈંગ્લેન્ડે અસાધારણ રમત બતાવવી પડશે.