T20 વર્લ્ડ કપ શરૂ થતા પહેલા બાંગ્લાદેશને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ફાસ્ટ બોલર શૌરીફુલ ઈસ્લામ શનિવાર, 1 જૂને ભારત સામેની પ્રેક્ટિસ મેચમાં ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો છે. તેના હાથમાં છ ટાંકા આવ્યા છે. તેની હથેળીમાં એટલી ગંભીર ઈજા થઈ કે તેણે મેચ અધવચ્ચે જ છોડીને મેદાનની બહાર જવું પડ્યું હતું.

એવો અંદાજ છે કે તેની ઈજાને સાજા થવામાં ઓછામાં ઓછો એક સપ્તાહનો સમય લાગશે. આનો અર્થ એ છે કે તે 7 જૂને શ્રીલંકા સામે બાંગ્લાદેશની શરૂઆતની મેચમાં રમી શકશે નહીં. ભારત સામેની વોર્મ અપ મેચમાં શૌરીફુલ સૌથી સફળ બોલર સાબિત થયો હતો. તેણે 3.5 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ લીધી હતી. હવે તેની ઈજાથી બાંગ્લાદેશને મોટું નુકસાન થઈ શકે છે.

હાર્દિક પંડ્યાના શોટથી ઈજાગ્રસ્ત

1 જૂનના રોજ નાસો કાઉન્ટી સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વોર્મ-અપ મેચ રમાઈ હતી. આ મેચમાં બાંગ્લાદેશને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમના મુખ્ય બોલર શૌરીફુલ ઈસ્લામની હથેળીમાં ખરાબ રીતે ઈજા થઈ છે. આ ઘટના ભારતની બેટિંગ દરમિયાન 20મી ઓવરમાં બની હતી. છેલ્લી ઓવર નાખવા આવેલા શૌરીફુલે પાંચમા બોલ પર યોર્કર ફેંક્યું. આ દરમિયાન હાર્દિક પંડ્યા બેટિંગ કરી રહ્યો હતો. તેણે સીધા બેટ વડે આ યોર્કર ખૂબ જ ઝડપથી માર્યું, જેને શૌરીફુલે તેની હથેળીથી રોકવાનો પ્રયાસ કર્યો. શોટ એટલો ઝડપી હતો કે તેની હથેળી તરત જ ફૂલી ગઈ અને તેણે તરત જ મેદાન છોડીને બહાર જવું પડ્યું. બાદમાં આંગળી અને હથેળી વચ્ચે છ ટાંકા આવ્યા હતા.

મુસ્તાફિઝુર રહેમાન, તનઝીમ શાકિબ અને તસ્કીન અહેમદની સાથે, શૌરીફુલ ઇસ્લામ પણ બાંગ્લાદેશના પેસ આક્રમણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જોકે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે હજુ સુધી તેની ઈજા અંગે કંઈ કહ્યું નથી પરંતુ તે વાપસી કરશે તેવી આશા છે. જો તેની ઈજા ઠીક નહીં થાય તો બાંગ્લાદેશને મોટો ફટકો પડશે, કારણ કે તસ્કીન અહેમદ પણ સંપૂર્ણ રીતે ફિટ નથી. બાંગ્લાદેશે ફાસ્ટ બોલર હસન મહમૂદને ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે રાખ્યો છે અને જરૂર પડ્યે તેને ટીમમાં સામેલ કરી શકાય છે.

ભારતે 60 રનથી જીત મેળવી હતી

ભારતે એકમાત્ર વોર્મ-અપ મેચમાં બાંગ્લાદેશને 60 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 182 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 122 રન જ બનાવી શકી હતી. આ મેચમાં ઋષભ પંત અને હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરી હતી. પંતે 32 બોલમાં 53 અને પંડ્યાએ 23 બોલમાં 40 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે પણ 18 બોલમાં 30 રનની ઝડપી ઇનિંગ રમી હતી. અર્શદીપ સિંહે બોલિંગમાં પોતાની પ્રતિભા દેખાડી. તેણે 3 ઓવરમાં માત્ર 12 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.