UAE: ACC T20 ઇમર્જિંગ ટીમ એશિયા કપ 2024 ની 8મી મેચ ભારત અને સંયુક્ત આરબ અમીરાતની ટીમો વચ્ચે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતીને ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત નોંધાવી છે. હવે આ જીત સાથે ભારતીય ટીમ પોતાના ગ્રુપમાં ટોપ પર પહોંચી ગઈ છે.

ACC T20 ઇમર્જિંગ ટીમ એશિયા કપ 2024માં, ટીમ ઇન્ડિયાએ તેની બીજી મેચ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની ટીમ સામે રમી. ઓમાનના અલ અમેરાત ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે એકતરફી જીત મેળવી હતી. આ જીત સાથે ભારતીય ટીમ ફરી એકવાર પોતાના ગ્રુપમાં ટોપ પર પહોંચી ગઈ છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમી હતી, જેમાં તેણે 7 રનથી જીત મેળવી હતી.

ટીમ ઈન્ડિયાએ UAEને આસાનીથી હરાવ્યું

આ મેચમાં સંયુક્ત આરબ અમીરાતની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ નિર્ણય સાચો સાબિત થયો ન હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા UAEની ટીમ 16.5 ઓવરમાં 107 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઝડપી બોલર રસિક સલામ ભારતનો સૌથી સફળ બોલર હતો. તેણે 2 ઓવરમાં 15 રન આપ્યા અને 3 વિકેટ લીધી. તમને જણાવી દઈએ કે, રસિક સલામે પોતાની પહેલી જ ઓવરમાં આ ત્રણ વિકેટ લીધી હતી. તેના સિવાય રમનદીપ સિંહને 2 સફળતા મળી. અંશુલ કંબોજ, વૈભવ અરોરા, અભિષેક શર્મા અને નેહલ વાઢેરાએ 1-1 વિકેટ લીધી હતી.

અભિષેક શર્માએ મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી

ટીમ ઈન્ડિયાને મેચ જીતવા માટે 108 રન બનાવવાના હતા. ઓપનર અભિષેક શર્માએ આ ટાર્ગેટને ટીમ માટે ખૂબ જ આસાન બનાવી દીધું હતું. ટીમ ઈન્ડિયાએ માત્ર 10.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે અભિષેક શર્માએ સૌથી મોટી ઈનિંગ રમી હતી. તેણે માત્ર 24 બોલમાં 241.66ની સ્ટ્રાઈક રેટથી 58 રન બનાવ્યા. અભિષેક શર્માની આ ઇનિંગમાં 6 ફોર અને 4 સિક્સ સામેલ હતી. આ સાથે જ કેપ્ટન તિલક વર્માએ પણ 18 બોલમાં 21 રનની ઇનિંગ રમી હતી.

ભારતે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે

આ જીત સાથે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ પણ બની ગઈ છે. ભારતીય ટીમે અત્યાર સુધી બે મેચ રમી છે અને બંને મેચ જીતી છે. આ સ્થિતિમાં તેને 4 પોઈન્ટ અને 2.460નો નેટ રન રેટ મળ્યો છે. આ સાથે જ પાકિસ્તાનની ટીમ 2 મેચમાં 1 જીત સાથે બીજા સ્થાને છે. UAEએ પણ બેમાંથી 1 મેચ જીતી છે, પરંતુ રન રેટના કારણે તે ત્રીજા સ્થાને છે. હવે ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજમાં તેની છેલ્લી મેચ ઓમાન સામે રમવાની છે.