દ્વારકા ખાતે પણ શ્રીક્રુષ્ણની વિશાળ મુર્તિ મૂકવામાં આવશે

તાજેતરમાં જામનગર સ્થિત આરામ હોટેલ ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં રિલાયન્સ કોર્પોરેટ અફેર્સનાં પરિમલભાઈ નથવાણીએ પત્રકારોને સાતત્યપૂર્ણ સમાચાર લોકો સુધી પહોંચાડવા માટે અપીલ કરી હતી અને સાથે જ નાથદ્વારાની માફક દ્વારકા ખાતે પણ શ્રીક્રુષ્ણની વિશાળ મુર્તિ મૂકવામાં આવે તે અંગે પણ માહિતી આપી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રી દ્વારા દ્વારકા ખાતેનાં પંચકુઇ વિસ્તારને વિકસાવવામાં આવશે અને મુર્તિ સ્થાપિત કરવામાં આવશે એમ રાજ્યસભા સાંસદે જણાવ્યુ હતું. પરિમલભાઈ નથવાણીએ જણાવ્યુ હતું કે આ પોજેક્ટને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની પરવાનગી મળી ચૂકી છે અને જમીન પણ ફાળવી દેવામાં આવી છે.

આ ઉપરાંત જામજોધપુર અને કચ્છ ખાતે પણ ગ્રીન એનર્જી પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. જામનગર ખાતે પ્રાણી સંગ્રહાલય પણ બનાવવામાં આવશે અને લોકો પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ શકે એ માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત વાર્તાલાપ દરમિયાન પરિમલભાઈએ જણાવ્યુ હતું કે સોશિયલ મીડિયાના વધતાં વ્યાપના પરિણામે લોકો સુધી ફેક ન્યુઝ વધારે પહોંચી રહ્યા છે ત્યારે તેઓએ પત્રકાર મિત્રોને અપીલ કરી હતી કે લોકો સુધી સત્ય પહોંચે એ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.

પરિમલભાઈએ જામનગરમાં વિદેશથી અને બહારથી આવતા લોકોને અગવડ ન પડે એ માટે પર્યટનના સ્થળો પર સાઇન બોર્ડ લગાવવામાં આવશે તેમ જણાવ્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે વન્યજીવના વિષય પર મારું એક પુસ્તક આવી ચૂક્યું છે અને બીજું પુસ્તક પણ અત્યારે લખાઈ રહ્યું છે. પરિમલભાઈએ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સમાપ્ત થાય એવા પ્રયત્નો કરવા લોકોને મીડિયાના મધ્યમથી અપીલ કરી હતી.