Rajkot : જામકંડોરણા નજીક ફોફળ નદીને ખાલી કરી રહેલ ખનીજ માફિયા પર તંત્ર ત્રાટક્યું હતું અને, 2 લોડર, 5 ડમ્પર સહિત રૂ.1.05 કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો. જે અંગે ધોરાજી એએસપી સીમરન ભારદ્વાજ અને ટીમ તેમજ ખનીજ વિભાગની સંયુક્ત કામગીરી કરી હતી.

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી હિમકર સિંહ દ્વારા ગેરકાયદેસર ખનન કરતા ભુમાફીયાઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી ધોરાજી વિભાગના એએસપી સિમરન ભારદ્વાજ અને રાજકોટ જીલ્લાના ભુસ્તરશાસ્ત્રી અંકીત ભટ્ટની સંયુક્ત બાતમીના આધારે જામકંડોરણાના લુણાગરા-ઇશ્વરીયા ગામ નજીક ફોફળ નદીના પટમાં સર્ચ કરતા સાદી રેતીનું ગેરકાયદેસર ખનન કરતા વાહનો 02 લોડર તેમજ 05 ડમ્પરો મળી રૂ.1.05 કરોડનો મુદામાલ સીઝ કરી જામકંડોરણા પોલીસ મથક કસ્ટડી હેઠળ રાખવામાં આવેલ છે. તેમજ આગળની વધુ કાર્યવાહી ખાણખનીજ વિભાગ દ્વારા ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં ખનન માફીયાઓ બેફામ બન્યા છે. માટી અને રેતી સહિતના ખનીજની ગેરકાયદેસર રીતે ચોરી કરવામાં આવી રહી છે. તેમજ સરકારને કરોડો રૂપિયાનુ નુકસાન કરાવાઈ રહ્યુ છે, તેવા સમયે આ કાર્યવાહીના કારણે ખનન માફીયાઓમાં ફફડાટ મચ્યો છે.

આ પણ વાંચો..