Rajkot Crime News: રાજકોટમાં ધોરણ-9માં અભ્યાસ કરતી 14 વર્ષીય સગીરા સાથે તેના પૂર્વ ગણિત શિક્ષકે દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. સગીરાને ગણિતમાં સારા માર્ક્સ અપાવવાની લાલચ આપીને અને નાપાસ કરવાની ધમકી આપીને શિક્ષકે શારીરિક શોષણ કર્યું હોવાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી શિક્ષક મોહિત ટાંકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદ સગીરાની માતાએ નોંધાવી છે. ફરિયાદ મુજબ સગીરા વર્ષ 2023થી 2026 દરમિયાન રાજકોટની સરકારી સંચાલિત મધર ટેરેસા સ્કૂલ નંબર 88માં ધોરણ-6થી 8 સુધી અભ્યાસ કરતી હતી. હાલમાં તે અન્ય કન્યા વિદ્યાલયમાં ધોરણ-9માં અભ્યાસ કરે છે.

સારા માર્ક્સની લાલચ આપી ધમકીનો આરોપ

ફરિયાદ મુજબ જાન્યુઆરી 2026 દરમિયાન આરોપી શિક્ષકે સગીરાને ગણિતમાં મદદ કરવાના બહાને તેની સાથે અયોગ્ય વર્તન શરૂ કર્યું હતું. સગીરાએ વિરોધ કરતાં તેને ગણિતમાં નાપાસ કરવાની અને અભ્યાસમાં મુશ્કેલી ઊભી કરવાની ધમકી આપવામાં આવતી હોવાનો આક્ષેપ છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ 9 જાન્યુઆરીના રોજ શિક્ષકે સગીરાને શાળામાંથી પોતાની કારમાં લઈ જઈ એક ફ્લેટમાં લઈ ગયો હતો જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ત્યારબાદ તેને ફરી શાળાની નજીક છોડવામાં આવી હતી.

વારંવાર શોષણ અને ધમકી આપ્યાનો આક્ષેપ

ફરિયાદમાં એવો પણ આરોપ છે કે આ ઘટના બાદ પણ આરોપી શિક્ષકે સગીરાને ધમકાવીને અન્ય પ્રસંગોએ ખાલી વર્ગખંડમાં બોલાવી તેની સાથે જાતીય શોષણ કર્યું હતું. ધમકીના કારણે સગીરા લાંબા સમય સુધી આ અંગે કોઈને જણાવી શકી નહોતી.

23 સપ્ટેમ્બર 2026ના રોજ સગીરાની માતાને પુત્રીના વર્તનમાં ફેરફાર અને ગભરાટ જણાતા તેમણે પૂછપરછ કરી હતી. ત્યારબાદ સગીરાએ સમગ્ર ઘટનાની જાણ માતાને કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

POCSO સહિતની કલમો હેઠળ ગુનો

માતાની ફરિયાદના આધારે રાજકોટ તાલુકા પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ દુષ્કર્મ અને POCSO એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. 2 ઓક્ટોબરે પોલીસે આરોપી મોહિત ટાંકની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી વર્ષ 2010થી સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. અગાઉ તેણે જામનગર જિલ્લાના ધ્રોલ અને જામજોધપુર તેમજ રાજકોટની વિવિધ શાળાઓમાં સેવા આપી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી તે સંબંધિત શાળામાં ફરજ બજાવતો હતો.

પોલીસ હવે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને આરોપીએ અન્ય કોઈ વિદ્યાર્થીની સાથે પણ આવી રીતે વર્તન કર્યું હતું કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.