Jharkhand assembly elections 2024 : ભાજપ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં કુલ 68 બેઠકો પર ચૂંટણી લડશે, આ યાદી પછી, ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે માત્ર બે બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાના બાકી છે, ભાજપે શનિવારે તેના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી . આ યાદીમાં 66 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ 66 ઉમેદવારોમાં ભાજપે 11 મહિલાઓને સ્થાન આપ્યું છે. ભાજપ રાજ્યમાં કુલ 68 બેઠકો પર ચૂંટણી લડશે. આ યાદી બાદ હવે માત્ર બે બેઠકોની જાહેરાત થવાની બાકી છે.
ભારતીય જનતા પાર્ટીની પ્રથમ યાદીમાં સામેલ અગ્રણી ઉમેદવારોમાં પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડી ધનવાર બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડશે. આ સિવાય સીતા સોરેન જામતારાથી, ચંપાઈ સોરેન સરાઈકેલાથી અને ગીતા કોડા જગન્નાથપુરથી ચૂંટણી લડશે.
રઘુવર દાસની પુત્રવધૂ, અર્જુન મુંડાની પત્નીને ટિકિટ
ભાજપે જમશેદપુર પૂર્વ બેઠક માટે ઓડિશાના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી રઘુબર દાસની પુત્રવધૂ પૂર્ણિમા સાહુને ટિકિટ આપી છે. અર્જુન મુંડાની પત્નીને પણ ટિકિટ આપવામાં આવી છે. મુંડાની પત્ની મીરા મુંડા પોટકાથી ચૂંટણી લડશે.
ચંપાઈ સોરેનની સાથે તેમનો પુત્ર પણ ચૂંટણી મેદાનમાં છે.
પૂર્વ સીએમ ચંપાઈ સોરેન અને તેમના પુત્ર બંને ચૂંટણી મેદાનમાં છે. તેમના પુત્ર બાબુલાલ સોરેનને ઘાટશિલાથી ટિકિટ આપવામાં આવી છે. ચંપાઈ સોરેન સરાઈકેલાથી અને તેમના પુત્ર બાબુલાલ સોરેન ઘાટશિલાથી ચૂંટણી લડશે.
ભાજપે કોડરમા સીટ માટે નીરા યાદવ, ગાંડે સીટ માટે મુનિયા દેવી, સિંદરીમાં તારા દેવી, નિરસામાં અપર્ણા સેનગુપ્તા અને ઝરીયા સીટ માટે રાગિણી સિંહને ટિકિટ આપી છે. ગીતા બાલમુચ ચાઈબાસાથી અને પુષ્પા દેવી ભુયાન છતરપુર વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે. ગુમલા વિધાનસભા સીટ માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી સુદર્શન ભગતને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ભાજપ કુલ 68 બેઠકો પર ચૂંટણી લડશે
ભાજપે અનુસૂચિત જનજાતિ માટે અનામત 24 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકો પર સાત ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ભાજપ રાજ્યની 81 વિધાનસભા બેઠકોમાંથી 68 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. તેમણે બાકીની બેઠકો તેમના સાથી પક્ષો માટે છોડી દીધી છે. NDAમાં ભાજપના મુખ્ય સહયોગીઓમાં AJSU 10 બેઠકો પર, જનતા દળ યુનાઇટેડ (JDU) બે બેઠકો પર અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) (LJP) એક બેઠક પર ચૂંટણી લડશે.
ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. ભાજપ આ વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચા-કોંગ્રેસ ગઠબંધનને સત્તામાંથી બહાર કરવાનો પ્રયાસ કરી રહી છે.