અક્ષયતૃતિયાએ ઉત્તરકાશીમાં ગંગોત્રી-યમુનોત્રી મંદિરના કપાટ ખુલ્યા, ચારધામ યાત્રા શરૂ. શ્રદ્ધાળુઓએ પૂજા કરી, CM ધામીએ હાજરી આપી. કેદારનાથ-બદ્રીનાથ કપાટ ટૂંકમાં ખુલશે.

નવી દિલ્હી: અક્ષયતૃતિયાના પાવન પ્રસંગે આજે ઉત્તરકાશી જિલ્લામાં શ્રદ્ધાળુઓ માટે ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના કપાટ ખોલવામાં આવ્યા. સાથે જ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો આજથી આરંભ થયો છે. વૈદિક મંત્રોચ્ચાર અને અન્ય ધાર્મિક વિધિ સાથે કપાટ ખોલવામાં આવ્યા. દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં પૂજા-અર્ચના કરવા માટે ઉત્તરકાશી જિલ્લામાં આવ્યા છે. 

આ પ્રસંગે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ પૂજા-અર્ચના કરી. હવે કેદારનાથ ધામના કપાટ શુક્રવારે અને બદ્રીનાથ ધામના કપાટ રવિવારે ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ચારધામ યાત્રામાં દર વર્ષે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે.