આંધ્રપ્રદેશમાં મંગળવારે કોરોનાવાયરસ (COVID-19) ના 7 નવા કેસ નોંધાતા રાજ્યમાં કુલ સક્રિય સંક્રમિતોની સંખ્યા 26 પર પહોંચી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ નવા કેસોમાં 4 ગુંટુર, 2 પૂર્વ ગોદાવરી અને 1 બાપટલા જિલ્લાનો સમાવેશ થાય છે. જોકે, વિભાગે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં ક્યાંય પણ ક્લસ્ટર ફેલાયું નથી અને તમામ કેસ અલગ-અલગ વિસ્તારોમાંથી નોંધાયા છે.

આરોગ્ય વિભાગના આંકડા મુજબ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 145 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. હાલ 26 દર્દીઓમાંથી 10 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 9 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. ત્રણ દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ ચૂક્યા છે અને તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. ચાર દર્દીઓના મોત થયા છે, પરંતુ વિભાગે જણાવ્યું છે કે તમામ મૃતકોને અગાઉથી ગંભીર બીમારીઓ હતી અને ત્યારબાદ તેઓ COVID-19 થી સંક્રમિત થયા હતા.

જિલ્લાવાર કેસોની વાત કરીએ તો કડપ્પામાં સૌથી વધુ 8 કેસ નોંધાયા છે. ગુંટુરમાં 6, પૂર્વ ગોદાવરીમાં 3, કાકીનાડા અને બાપટલામાં 2-2, જ્યારે વિશાખાપટ્ટનમ, એલુરુ, નેલ્લોર, એનટીઆર અને પાર્વતીપુરમ મન્યમ જિલ્લામાં 1-1 કેસ નોંધાયા છે.

COVID-19 નો પ્રથમ કેસ ડિસેમ્બર 2019માં ચીનના વુહાન શહેરમાં નોંધાયો હતો અને બાદમાં તે વૈશ્વિક મહામારીમાં ફેરવાયો હતો. ભારતમાં પ્રથમ કેસ જાન્યુઆરી 2020માં કેરળમાં નોંધાયો હતો. ત્યારબાદ દેશવ્યાપી લોકડાઉન, સારવાર વ્યવસ્થા અને વ્યાપક રસીકરણ અભિયાન દ્વારા સંક્રમણને કાબૂમાં લેવામાં આવ્યું. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ મે 2023માં COVID-19 ને વૈશ્વિક આરોગ્ય કટોકટીની શ્રેણીમાંથી દૂર કર્યો હતો, છતાં સમયાંતરે નવા કેસો સામે આવતા આરોગ્ય વિભાગ લોકોમાં સાવચેતી રાખવાની અપીલ કરી રહ્યું છે.

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વૃદ્ધો, ડાયાબિટીસ, હૃદયરોગ અને અન્ય ગંભીર બીમારીઓ ધરાવતા લોકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ. તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અથવા સ્વાદ-ગંધ ગુમાવા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવી જરૂરી છે.