Jamnagar : ગાંધીનગર- મોમાઈનગર વિસ્તારમાં શાળા નંબર 50ની પાસે નદીના વહેણના નિકાલ માટેની જામનગર મહાનગરપાલિકાના ની જગ્યામાં ત્રણ આસામીઓ દ્વારા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું, અને આશરે 3000 ફૂટ જગ્યામાં ત્રણ મકાનો ખડકી દેવાયા હતા.

છેલ્લા પાંચ વર્ષથી આ દબાણો ઊભા કરી દેવાયા હોવાનું મહાનગરપાલિકાને ધ્યાનમાં આવ્યું હતું, અને જે મકાનો ના કારણે નદીનો પ્રવાહ પણ રોકાઈ જતો હોવાની જાણકારી મળી હતી.

જેથી ત્રણેય આસામીઓને મહાનગરપાલિકા દ્વારા જગ્યા ખુલી કરાવી દેવા માટેની નોટિસ પાઠવી દેવાઈ હતી. જેની આખરી નોટિસની સમય મર્યાદા પૂર્ણ થઈ જતાં આજે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી મુકેશભાઈ ગોસાઈ, હરેશ વાણીયા તથા નીતિનભાઈ મહેતા સહિતના અધિકારીઓની ટીમ ૫૦ જેટલા એસ્ટેટ શાખા સ્ટાફ ને સાથે રાખીને આજે વહેલી સવારે ડીમોલેશન માટે પહોંચ્યા હતા, જે સમયે ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. અને સીટી બી. ડિવિઝનની મોટી પોલીસ ટુકડી જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ સામેલ હતા, જેનો સજ્જડ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

ત્રણ જેસીબી મશીન, બ્રેકર મશીન, જનરેટર, ટ્રેકટર સહિતની તમામ સામગ્રીઓ સાથે રાખીને ડિમોલેશન કાર્ય હાથ ધરી લેવામાં આવ્યું હતું અને અંદાજે 3000 ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. જેથી આગામી સમયમાં ચોમાસા દરમિયાન નદીના પાણીના પ્રવાહ ને વાળવામાં પણ મુક્તિ મળશે, તેમ જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો..