Jamnagar: જામનગર શહેર અને જિલ્લામાં ચાર અલગ અલગ બનાવોમાં ચાર લોકોના મોત બાદ, સંબંધિત પોલીસ સ્ટેશનોમાં અકુદરતી મૃત્યુના કેસ નોંધવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
ધુવાવમાં આર્થિક તંગીના કારણે યુવકે ઝેર પીને આત્મહત્યા કરી:
જામનગરના પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ધુવાવ ગામના રહેવાસી 28 વર્ષીય જતીનભાઈ નરેન્દ્રભાઈ કણઝારિયાએ 12 સપ્ટેમ્બરના રોજ આર્થિક તંગી અને લગ્ન ન કરી શકવાના કારણે ઝેર પીધું હતું. 21 સપ્ટેમ્બરના રોજ બપોરે 3:30 વાગ્યે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. તેમના પિતા નરેન્દ્રભાઈ કણઝારિયાએ પોલીસને જાણ કરી હતી.
જોડિયા તાલુકાના કેશિયામાં બીમારીને કારણે આધેડ વયના વ્યક્તિનું દુઃખદ અવસાન:
જોડિયા તાલુકાના કેશિયા ગામમાં 61 વર્ષીય રઘુનાથભાઈ કુવરજીભાઈ ગોધાણીનું અચાનક અવસાન થયું. તેમની અગાઉ મગજની બીમારી અને લકવા માટે સર્જરી કરવામાં આવી હતી. અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લીધા બાદ, તેમની તબિયત લથડતા તેમને તેમના વતન કેશિયા લાવવામાં આવ્યા હતા. તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
લાલપુરના કનાલુમાં ઈંટકામ કરતી વખતે બીમાર પડી જવાથી કામદારનું મૃત્યુ:
મેઘપર-પડાણા પોલીસ સ્ટેશન હેઠળના કનાલુ ગામમાં પોતાના ઘરના ગોદામમાં ઈંટકામ કરતી વખતે કામ કરતા ૫૪ વર્ષીય અજિતસિંહ ઉમરસિંહ સોલંકીની અચાનક તબિયત ખરાબ થઈ ગઈ અને તેમને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું.
શંકર ટેકરી ખાતે બીમાર પડી જવાથી એક આધેડનું મૃત્યુ:
જામનગરના સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના શંકર ટેકરીના વલ્લભનગર વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષીય ગિરધરભાઈ શંકરભાઈ વાઘેલાને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા. પોલીસે આઈપીસીની કલમ ૧૯૪ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.




