Jamnagar accident: કાલાવડ તાલુકાના આનંદપર ગામ નજીક કાલાવડ-રાજકોટ હાઇવે પર કોલેજ સામે રસ્તો ક્રોસ કરતી વખતે, મોપેડ ચલાવતા ૩૬ વર્ષીય મનોજભાઈ રાજારામ માજીને સફેદ કાર ચાલકે ટક્કર મારી હતી, જેના કારણે તેમના માથાના પાછળના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે ૭ સપ્ટેમ્બરના રોજ સવારે ૧:૫૦ વાગ્યે મૃત જાહેર કર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઓડિશાના વતની અને હાલમાં આનંદપર ગામમાં મહાવીર લુબ્રિકન્ટ્સમાં મજૂર તરીકે કામ કરતા મનોજભાઈ માજી ૪ સપ્ટેમ્બરની રાત્રે તેમના મિત્ર શિવવીરસિંહ શ્યામસિંહ સાથે ઘરવખરીની વસ્તુઓ ખરીદવા માટે મોપેડ નંબર GJ-03-JF-9749 પર આનંદપર ગામ જઈ રહ્યા હતા. દરમિયાન, હાઇવે પર કોલેજ સામે રસ્તો ક્રોસ કરતી વખતે, રાજકોટ તરફથી આવતી સફેદ કાર નંબર GJ-05-CR-0072 ના ચાલકે તેજ ગતિ અને બેદરકારીથી ગાડી ચલાવી મોપેડને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં, મોપેડ પર પાછળ બેઠેલા મનોજભાઈને રસ્તા પર પટકાતા માથાના પાછળના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી, જ્યારે મોપેડ ચલાવતા તેમના મિત્રને સામાન્ય ઈજા થઈ હતી. ફરિયાદમાં જણાવાયું છે કે અકસ્માત પછી, ડ્રાઇવરે કાર આગળ રોકી, ઘાયલોની પાસે ગયો, થોડીવાર રોકાયો અને પછી ત્યાંથી ચાલ્યો ગયો. ઘાયલ મનોજભાઈને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના પત્ની માનસીબેન મનોજભાઈ માંઝીની ફરિયાદના આધારે, પોલીસે ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.