આધાર અપડેટ કેન્દ્રથી વારંવાર ફરિયાદ આવતા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaએ મામલતદાર કચેરી ખાતે આધાર અપડેટ કેન્દ્રની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અમારા કાર્યાલય પર આવીને ખેડૂત આગેવાનો, બાળકો અને વાલીઓએ અમને જણાવ્યું કે, જે કેવાયસીની પ્રક્રિયા છે, નામ સુધારવાની પ્રક્રિયા છે, આધાર કાર્ડ ની પ્રક્રિયા છે કે ખેડૂત રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે, તેમાં કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી અને સ્ટાફ પણ નથી. આખા ડેડીયાપાડા તાલુકામાં ફક્ત એક જ કેન્દ્ર ચાલુ છે જેના કારણે રાત્રે-બે ત્રણ વાગ્યાથી 500 લોકો કેન્દ્રની બહાર આવી જવા માટે મજબૂર બને છે. કેટલાક લોકો તો ત્રણ ચાર દિવસથી અહીંયા આંટા મારે છે. તેમ છતાં પણ તેમના કામ થયા નથી. જેના કારણે લોકો થાકી ગયા છે અને ખૂબ જ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે.

અમે સરકારને કહેવા માંગે છે કે તમે આધાર કાર્ડ ખેડૂત રજીસ્ટ્રેશન અને KYC જેવા જે પણ કામ શરૂ કરો છો, તે કામ શરૂ કર્યા પહેલા સરકાર પૂરતા સાધનોની અને સ્ટાફની જોગવાઈ કરે ત્યારબાદ પ્રક્રિયાની જાહેરાત કરે. પરંતુ આવી કોઈ વ્યવસ્થા હોતી નથી અને જેના કારણે હવે અમારા લોકો ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છે. કોઈ વ્યવસ્થા વગર કામ શરૂ કરીને સરકાર શું સાબિત કરવા માંગે છે? અમારા લોકો બે વર્ષ સુધી નોટબંધીની લાઈનમાં ઊભા રહ્યા, કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં બે વર્ષ નીકળી ગયા, આજે અનાજ વિતરણમાં અડધા લોકો રહી જાય છે. આવી અનેક સમસ્યાઓ છે અને જો સરકાર તાત્કાલિક આમાં કોઈ નિર્ણય નહીં લે તો અમારે મજબૂરીવશ મામલતદાર ઓફિસ અને પ્રાંત ઓફિસને તાળા મારવા પડશે. અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આધાર કાર્ડ અપડેટ, ખેડૂત રજીસ્ટ્રેશન અને રેશનકાર્ડ કેવાયસી જેવા તમામ કામો ચાલુ કરવામાં આવે. બે દિવસ બાદ ફરી અમે આવીશું અને જો ફરીથી આવી જ હાલત હશે તો અમે આ ઓફિસને તાળા મારી દઈશું.