આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર માહિતી આપતા જણાવ્યું હતું કે અનુસૂચિત જનજાતિના તમામ વિદ્યાર્થીઓને હું અભિનંદન આપવા માગું છું. આપ સૌનો સાથ અને સહકાર મળ્યો એટલા માટે આજે ગુજરાત સરકારે મોડા મોડા પણ પોતાની ભૂલ સ્વીકારી અને અને ભારત સરકાર પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ શરૂ કરવા માટે આજે પરિપત્ર બહાર પાડ્યો છે. તો સરકારનો પણ હું આભાર વ્યક્ત કરું છું. એક જુલાઈ 2010ના રોજ કેન્દ્ર સરકારે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની શરૂઆત કરી હતી. તેમાં કેન્દ્ર સરકાર 75% અને રાજ્ય સરકાર 25% નું યોગદાન આપીને આદિજાતિ વિદ્યાર્થીઓને મદદ કરતા હતા. ત્યારબાદ તા.૨૮/૧૦/૨૪ના પરિપત્રથી સરકારે આ શિષ્યવૃત્તિ બંધ કરવાનું એલાન કર્યું. ત્યારબાદ અમે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે સૌપ્રથમ બિરસા મુંડા ભવનનો ઘેરાવ કર્યો અને ત્યારે હજારો વિદ્યાર્થીઓ અમારા સમર્થનમાં હતા. ત્યારબાદ અમે વિધાનસભા ઘેરવાનો પણ પ્રયાસ કર્યો અને ત્યારે પણ હજારો વિદ્યાર્થીઓ અમારી સાથે હતા. આ દરમિયાન અમારી અટકાયત પણ થઈ.

ત્યારબાદ વિધાનસભામાં પણ આ યોજના ફરીથી ચાલુ થાય એ માટે અમે ઉગ્ર રજૂઆતો કરી. એ દરમિયાન શિક્ષણ અને આદિજાતિ મંત્રીએ આ શિષ્યવૃત્તિ કેમ બંધ કરવામાં આવી, તેના અનેક લાભો ગણાવ્યા. તેમ છતાં પણ આ શિષ્યવૃતિ ફરીથી શરૂ કરવા માટે અમે ઉગ્ર માંગ કરી. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ પણ અમારો સાથ આપ્યો. ત્યારબાદ અમને તમામ લોકોને વિધાનસભાના ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને છતાં પણ અમારી માંગ વ્યાજબી હતી અને સાચી હતી જેને આજે સરકારે સ્વીકારી છે. આ મુદ્દા પર અમે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે મળીને આવેદન પણ આપ્યા છે. અનંત પટેલે NSUIની ટીમ સાથે મળીને આવેદનપત્રો પણ આપ્યા અને વિરોધ પણ દર્શાવ્યો. તમામ લોકો સાથે મળીને એકજૂટ થયા એટલા માટે સરકારે આ મુદ્દા પર પીછેહટ કરવી પડી અને સરકારને ખ્યાલ આવ્યો કે તેમની ભૂલ થઈ રહી છે. અને અત્યારે સરકારે તેમની ભૂલ સુધારી છે માટે અમે સરકારનો પણ આભાર માનીએ છીએ. આજે જે પણ નિર્ણય લેવામાં આવ્યો છે તે ગુજરાતના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના હકમાં અને હિતમાં નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને અમે સ્વીકારીએ છીએ અને આવકાર્ય છીએ. જે પણ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરતા હતા તેમને હવે તકલીફ નહીં પડે તેવી આશા વ્યક્ત કરીએ છીએ હવે આ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી સારી બનાવે તેવી પણ શુભકામનાઓ આપીએ છીએ.