હાર્દિક દેવકીયા દ્વારા…

GSTનો કાયદો અમલમાં આવ્યો. ત્યારથી ઘણી બધી કાયદાની આંટીઘુટી ચાલુ જ રહી છે અને તેમાં હરહંમેશ વેપારીઓને યેનકેન પ્રકારે ભોગવવાનો વારો આવતો હોવાનું જોવા મળે છે. અધિકારીઓની જ ભૂલને કારણે અનેક બાબતોમાં વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવતી હોવાને લઇને અને સુનાવણીમાં હાજર રહેવા માટે વેપારીઓને વારંવાર વડોદરા સુધી ધક્કા ખાવા પડે છે જેને લઇને અધિકારીઓની ક્ષતિઓનો ભોગ વેપારીઓ ન બને તે માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. 

GST વિભાગના તત્કાલિન અધિકારીઓના બેજવાબદારી ભર્યા વર્તનને કારણે ચરોતરના વેપારીઓને ભારે હાલાકી વેઠવી પડતી હતી. કાયદાની શરૂઆતથી જ નવા કાયદાને લીધે થયેલી ભૂલો અને તે ભૂલો સંબંધે વિભાગ દ્વારા આપવામાં આવેલી અલગ અલગ નોટિસ આપી, તે ત્રુટીઓ દૂર કરાવવામાં હતી.

પરંતુ GST સબંધે કેટલાક કિસ્સાઓમાં તત્કાલિન અધિકારીઓના ભિન્ન અભિગમને કારણે વેપારીની રજૂઆતો ગ્રાહ્ય રાખવામાં આવી ન હોય તેવામાં કાયદાની જોગવાઈ મુજબ તત્કાલિન અધિકારીએ કરેલા ઓર્ડરને ફેર સુધારણા માટે પણ ઓનલાઇન  કાર્યવાહી કરી હોય અને તત્કાલીન અધિકારીએ ધ્યાને ન લીધી હોય તેવા કિસ્સામાં પણ સમય જતાં વેપારીને જ નાછૂટકે વડોદરા અપીલનો સહારો લેવાનો વારો આવે છે.

હાલ ચાલતી નોટીસ અંગેના જવોબોમાં હવે વેપારીને અપીલનો સામનો ન કરવો પડે તે રીતનું આયોજન અધિકારી દ્વારા કરવામાં આવે તો વેપારીઓને પણ રાહત રહે. આ ઉપરાંત છાશવારે વેપારીઓ સામે દંડનો કોરડો વિંઝતા વિભાગના ઉચ્ચ અધિકારીઓ પોતાની ફરજમાં બેદરકારી દાખવતાં અધિકારીઓ અને કર્મચારીઓ સામે કોઇ કાર્યવાહી કરતાં નથી. GST વિભાગમાં અધિકારીની ભૂલનું પણ અસેસમેન્ટ કરવામાં આવે અને તે માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવે તેવી માંગ પણ હાલમાં વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

ભૂતકાળની અરજીઓ માટે અત્યારે નોટીસ ફટકારાઈ

રેક્ટીકીફેશન માટે ઓનલાઈન અરજી કરી હોય, પરંતુ સમયાંતરે તત્કાલીન અધિકારી દ્વારા તે અરજીનો નિકાલ ના કર્યો હોય અને તે વેપારીને અપીલમાં જવાનો વારો આવ્યો છે અને તેવા જ વેપારીઓને હવે ભૂતકાળમાં રેક્ટીકીફેશનની કરેલી અરજી માટે એક વર્ષે બાદ  રૂબરૂ સાંભળવાની તક માટે હાજર રહેવા નોટીસ ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો..