Vadodara Massive Fire News: કરજણ-ધાવટ રોડ પર આવેલી કાનમ પેપર મિલમાં આજે વહેલી સવારે લાગેલી વિકરાળ આગે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી છે. સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ શરૂ થયેલી આ આગે થોડી જ વારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા તંત્રએ મેજર કોલ જાહેર કર્યો હતો. 8 કલાકથી વધુ સમય વીતી જવા છતાં આગ પર હજુ સુધી સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો નથી.
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કરજણ સિવાય ભરૂચ, વડોદરા અને અંકલેશ્વર GIDC સહિતના વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ટીમોને બોલાવવામાં આવી છે. પેપર મિલમાં મોટા પ્રમાણમાં જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે, જેના કારણે આગ બુઝાવવાની કામગીરી મુશ્કેલ બની ગઈ છે.
આ દરમિયાન પાણીની અછત સૌથી મોટો પડકાર બની છે. ઘટનાસ્થળે પાણીનો જથ્થો ખૂટી જતા ફાયર વિભાગને નજીકની અન્ય કંપનીઓમાંથી પાણી મંગાવવું પડી રહ્યું છે, જેના કારણે કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે.
બનાવની જાણ થતા જ નાયબ કલેક્ટર, DYSP, મામલતદાર અને પોલીસ ઈન્સ્પેક્ટર સહિતના વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે અને લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. મિલમાં રહેલો કાચો માલ અને મશીનરી બળીને ખાખ થઈ ગયા હોવાના અંદાજ છે. હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આગનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે




