હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્યનાં ખેડૂતોમાં ચિંતામાં મૂકાયા છે. ગુજરાતમાં ચોમાસાની ઋતુ 15 જૂનથી શરૂ થશે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતનાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ વલસાડ, સુરત, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવે ચોમાસાના આગમનને લઈને આગાહી કરવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેની આસપાસ કેરળ પહોંચે તેવી શક્યતા છે. તેના આધારે અન્ય રાજ્યોમાં ચોમાસાની હિલચાલ નક્કી કરવામાં આવશે. જે ભારતની કૃષિ આધારિત અર્થવ્યવસ્થા માટે ચાર મહિનાની વરસાદી ઋતુનો તખ્તો તૈયાર કરશે. ભારતીય હવામાન વિભાગ અનુસાર આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેના રોજ કેરળ પહોંચી શકે છે. જોકે તે ચાર દિવસ આગળ કે પાછળ રહેવાની સંભાવના રહે છે.

અગાઉ હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 19 મે સુધીમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પહોંચવાની અપેક્ષા રાખી હતી જે સામાન્ય તારીખથી 3 દિવસ પહેલા છે. દર વર્ષે ચોમાસું 22 મે સુધીમાં આંદામાન અને નિકોબારમાં આવે છે. આંદામાન અને નિકોબારથી આગળ વધીને ચોમાસું કેરળ પહોંચે છે. ચોમાસાના આગમનની સામાન્ય તારીખ વિશે વાત કરીએ તો તે 10મી જૂન સુધીમાં મહારાષ્ટ્ર પહોંચે છે. ત્યારબાદ આગળ વધીને 15 જૂને તે ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર પહોંચે છે. જ્યારે, 20 જૂને, તે ગુજરાતના આંતરિક વિસ્તારો, મધ્યપ્રદેશના મધ્ય ભાગો અને ઉત્તર પ્રદેશમાં ત્રાટકશે. જો કે હવામાન વિભાગે હજુ સુધી આ રાજ્યોમાં ચોમાસાના આગમનની કોઈ તારીખ આપી નથી. હવામાન વિભાગ ચોમાસાની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યું છે.