Gujarat પોલીસે રાજકોટ જિલ્લામાંથી ત્રણ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે. આ લોકો ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. આ અંગે માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રાજકોટ પોલીસની SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ટીમને મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે માહિતીના આધારે પોલીસે શુક્રવારે રંગપર વિસ્તારમાં એક મકાનમાં ભાડે રહેતા બે લોકોની અટકાયત કરી હતી જ્યારે એક મહિલાને શનિવારે મદદ કરવા બદલ અટકાયતમાં લેવામાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું કે આ ત્રણની ઓળખ બાંગ્લાદેશની રાજધાની ઢાકાના સોહેલ હુસૈન યાકુતાલી (30), રિપન હુસૈન અમીરુલ ઈસ્લામ (28) અને હિના ખુર્શીદ (34) તરીકે થઈ છે.
SOG અધિકારીએ કહ્યું, ‘ત્રણ આરોપીઓની ભારતમાં ગેરકાયદેસર રોકાણ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેનો કોઈ ગુનાહિત રેકોર્ડ છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. બંને શખ્સોએ કબૂલ્યું છે કે તેઓ બાંગ્લાદેશના છે અને છેલ્લા બે મહિનાથી અહીં રહેતા હતા, જ્યારે મહિલાએ દાવો કર્યો છે કે તે બે વર્ષ પહેલા અહીં આવી હતી અને તે પહેલા 6-7 વર્ષથી મુંબઈમાં રહેતી હતી.’