Manoj Sorthiya: આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ પર ખોટી રીતે પોલીસ કેસ કરીને સમગ્ર ઘટનામાં આમ આદમી પાર્ટીને બદનામ કરવા બાબતે પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ સહિત તમામ લોકો ભાજપના 30 વર્ષના શાસન અને તેની તાનાશાહીથી પરેશાન છે. એવા સમયમાં હવે આમ આદમી પાર્ટી ધીરે ધીરે લોકોની પસંદ બની રહી છે અને આમ આદમી પાર્ટીનું સંગઠન વધી રહ્યું છે. ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 500થી વધારે ઉમેદવારો ચૂંટાયા અને ગુજરાતના ઇતિહાસમાં એવું પહેલી વાર બન્યો કે ભાજપ અને કોંગ્રેસ સિવાય ત્રીજો પક્ષ આટલા મોટા પ્રમાણમાં સફળ થયો. આ તમામ ઘટનાઓ ભાજપ માટે પરેશાનીનું મોટું કારણ છે. ભાજપને એ બાબતે પરેશાની નથી કે ગુજરાતના લોકોને સુવિધાઓ નથી મળતી, ખેડૂતોને ડીઝલ નથી મળતું, મોંઘવારી વધી છે, લોકો પરેશાન છે, નીટના પેપર લીક થાય છે, આવી કોઈ બાબતથી ભાજપ પરેશાન નથી. પણ જો સામે પક્ષે કોઈ બોલવાવાળું વ્યક્તિ હોય તો ભાજપ માટે એ પરેશાની છે. આજે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે કારણ કે ખેડૂતોના ખેતરોમાં વીજ લાઈનની પરમિશન વગર વીજ લાઈન નાખવાનું કામ થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં ભાજપને જે ચેલેન્જ આપે છે એ આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે ભાજપ દ્વારા વારંવાર ષડયંત્ર થઈ રહ્યા છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપર ખોટી એફઆઇઆર કરીને જેલમાં નાખવાના ષડયંત્રો કરવામાં આવ્યા હતા. ચૂંટણી પછી પણ આ સિલસિલો હજુ પણ ચાલુ છે. બે દિવસ પહેલાની ઘટના છે કે આઈબીના વ્યક્તિએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને કોલ કરીને એમની તમામ વિગતો માંગી. અને ત્યારબાદ આમ આદમી પાર્ટીએ આ વાતને જાહેરમાં કહેવાની શરૂઆત કરી, કે આમ આદમી પાર્ટીના નેતાઓને ધમકીઓ આવે છે, આઇબીને પાછળ લગાવવામાં આવી છે, ત્યારે ફરી એકવાર એક ષડયંત્ર રચવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના નેતા કે જેમણે આઈબી અધિકારી સાથે ફોન કરી એમને પૂછ્યું કે કોણ છો તમે અને શા માટે ફોન કરો છો, તો એ વ્યક્તિને બાતમીદાર બનાવીને આમ આદમી પાર્ટીના વડોદરાના શહેર પ્રમુખ અશોક ઓઝાને ફ્રેમ કરવાનું કામ કરવામાં આવ્યું છે. બે દિવસ પહેલા એમને ઉપાડી ગયા, એમને બેસાડીને જબરદસ્તીથી એમની પાસેથી સ્ટેટમેન્ટો લખાવ્યા, આમ આદમી પાર્ટીની, સંગઠનની અને ખર્ચની તમામ માહિતીઓ માંગી. એ વ્યક્તિ પાસે આ તમામ માહિતી માગવાનું કારણ મને નથી સમજાતું કે ભાજપને આ બાબતની કેમ પડી છે? આમ આદમી પાર્ટીના નેતા અશોક ઓઝાએ હિંમત કરીને આ સમગ્ર ઘટના મીડિયા સમક્ષ મૂકી છે. એમણે કહ્યું છે કે જે વ્યક્તિ સાથે તેમણે ફોન કર્યો એમની સાથે એમને કાંઈ લેવાદેવા નથી અને એમના પર ખોટો આરોપ લગાવવામાં આવે છે. હું જવાબદારી સાથે કહેવા માગું છું કે ગુજરાતમાં મજબૂત પક્ષ અને મજબૂત વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટી આ તમામ પ્રકારના ષડયંત્ર કરી રહી છે, આમ આદમી પાર્ટીના નેતાઓને ફ્રેમ કરવાનું કામ કરી રહી છે, આમ આદમી પાર્ટીને ખોટી રીતે બદનામ કરવાનું કામ કરી રહી છે. અશોક ઓઝાએ પોતાનો પક્ષ મૂક્યો છે, મારી તમામ લોકોને અને ખાસ કરીને મીડિયાના માધ્યમના લોકોને વિનંતી છે કે અશોકભાઈનો જે પક્ષ છે, એ જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે. સત્ય શું છે એની જાણ લોકોને પણ થવી જોઈએ.




