ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટને ટાંકીને કોંગ્રેસે સોમવારે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP)નું ‘Gujarat Model’ માત્ર એક ભ્રમણા છે અને ખોટા આંકડા રજૂ કરવા એ શાસક પક્ષની રાજનીતિનો એક ભાગ છે. પાર્ટીના મહાસચિવ Jairam Ramesh એમ પણ કહ્યું હતું કે, ગુજરાત પર હાલમાં લગભગ રૂ. 5 લાખ કરોડનું દેવું છે, પરંતુ રાજ્યની ભાજપ સરકાર તેને ઓછું કરી રહી છે.
ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગયા ગુરુવારે નાણાકીય વર્ષ 2025-26 માટે રૂ. 3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં 148 કરોડ રૂપિયાની ટેક્સ રાહત આપવામાં આવી છે.
ગુજરાત મોડલ વાસ્તવમાં માત્ર એક ભ્રમણા
જયરામ રમેશે X પર એક પોસ્ટમાં કહ્યું કે, ભાજપનું ‘Gujarat Model’ વાસ્તવમાં માત્ર એક ભ્રમણા છે. તાજેતરમાં રજૂ કરાયેલા રાજ્યના બજેટમાં ગુજરાત સરકારે જણાવ્યું હતું કે રાજ્ય પર 3 લાખ 76 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. પરંતુ સંસદમાં રજૂ કરાયેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આંકડા દર્શાવે છે કે ગુજરાત પર વાસ્તવમાં રૂ. 5 લાખ કરોડનું દેવું છે. એટલે કે આખા વર્ષનાબજેટ કરતાં વધુ.
ગુજરાત સરકાર વિધાનસભામાં ખુલ્લેઆમ બોલી રહી છે ખોટું
તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાત સરકાર વિધાનસભામાં ખુલ્લેઆમ ખોટું બોલી રહી છે. રમેશે પૂછ્યું કે, હવે સવાલ એ થાય છે કે, જો ‘ગુજરાત મોડલ’ આટલું સફળ રહ્યું તો રાજ્ય દેવાની દલદલમાં કેમ ડૂબી રહ્યું છે? આખરે આ પૈસા ગયા ક્યાં, શું થોડાક ઉદ્યોગપતિઓના ખિસ્સામાં ગયા?
જનતાને કોઈ આર્થિક રાહત મળી નથી
તેમણે દાવો કર્યો હતો કે રાજ્યમાં કોઈ કલ્યાણકારી યોજના ચાલી રહી નથી, જનતાને કોઈ આર્થિક રાહત આપવામાં આવી રહી નથી, પાયાની સુવિધાઓમાં કોઈ મોટું રોકાણ કરવામાં આવ્યું નથી. કોંગ્રેસ નેતાએ પૂછ્યું, તો પછી આ પૈસા ગયા ક્યાં? તેમણે કહ્યું કે ખોટા આંકડા રજૂ કરવા, જનતાને ગેરમાર્ગે દોરવા અને દરેક મંચ પર ખોટા દાવા કરવા એ ભાજપ સરકારની રાજનીતિનો એક ભાગ બની ગયો છે. પણ સત્ય ક્યાં સુધી છુપાવી શકાય?