આજે વિસાવદરના મોટી મોણપરી ગામે ઇકોઝોનના વિરોધમાં ખેડૂત મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Ishudan Gadhavi, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રભારી ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ અને ઇકોઝોન મુદ્દે આંદોલન ચલાવનાર યુવા નેતા પ્રવિણ રામ, આપ નેતા હરેશભાઈ સાવલિયા, અને પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકા, પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયા, આપ નેતા પરેશ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, મજૂરો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર સમક્ષ ઇકોઝોનને રદ્દ કરવાની માંગણી કરી હતી. આમ આદમી પાર્ટીએ ઈકોઝોનને રદ્દ કરવા મુદ્દે ખેડૂતોને સંપૂર્ણપણે સમર્થન જાહેર કર્યું છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Ishudan Gadhaviએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, વિસાવદરના મોટી મોણપરી ગામે આજે ઇકોઝોન મુદ્દે ખેડૂત મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને ધારાસભ્યોની સાથે સાથે મોટી સંખ્યામાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ તમામ લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં હાજર ખેડૂતો સહિત તમામ લોકોની માંગ છે કે સરકાર ઈકોઝોનને રદ્દ કરે. અમે નથી સમજી રહ્યા કે સરકાર ઇકોઝોન શા માટે લાવી રહી છે? આ ઇકોઝોનનો વિસ્તાર કોણે નક્કી કર્યો છે? અમે સાંભળ્યું છે કે ભાજપના નેતાઓની જમીનો આવે અને રિસોર્ટ બનાવવામાં આવે તે માટેનું આખું ષડયંત્ર છે. એક ખેડૂતે પોતાના ખેતરમાં લીમડો કાપવાના 20,000 થી 50000 રૂપિયા નો દંડ ચૂકવવો પડશે, આ કેવી સરકાર છે? અંગ્રેજોએ પણ આવા કાયદા નથી બનાવ્યા અને આવા કામ નથી કર્યા.

ત્યારબાદ નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રભારી ગોપાલ ઇટાલીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આ લોકોએ માલધારીઓને આ ગીરના વિસ્તારમાંથી બહાર કાઢ્યા છે. આ લોકો જાણતા નથી કે માલધારી લોકો છે ત્યાં સુધી ગીરમાં સિંહો છે, 20-30 વર્ષ પછી જ્યારે ગીરમાં એક પણ સિંહ નહીં બચે ત્યારે લોકોને ભૂલ સમજાશે. વન ખાતાને આખો વિસ્તાર સોંપવામાં આવી રહ્યો છે, તેનો મતલબ છે કે આખા વિસ્તાર પર કબજો કરવામાં આવી રહ્યો છે. માટે આ ઇકોઝોન ગીર માટે અને તેની આસપાસના વિસ્તાર માટે ખૂબ જ ખતરનાક પ્રોજેક્ટ છે. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ, કરસનદાસ બાપુ ભાદરકા, રાજુભાઈ બોરખતરીયા સહિત અનેક લોકો આ મુદ્દા પર પોતાની લડત ચલાવી રહ્યા છે. અમે પણ આ મુદ્દા પર જાહેરમાં ટેકો આપ્યો છે.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રમુખ અને ઇકોઝોન મુદ્દે આંદોલન ચલાવનાર યુવા નેતા પ્રવિણ રામે પોતાની વાતો કરતા જણાવ્યું હતું કે, સરકારે જે ઇકો ઝોન જાહેર કર્યો છે તે ઇકો ઝોન નહીં પરંતુ “લૂંટો ઝોન” છે. અત્યાર સુધી એક હાથે લુંટનાર સરકાર હવે ઇકોઝોન લાવીને બે હાથે લોકોને લૂંટવા માંગે છે. પહેલા તમે રેવન્યુ વિભાગમાં લૂંટતા હતા પરંતુ હવે વન વિભાગમાં જશો ત્યાં પણ તમને લૂંટવામાં આવશે. અમે આંદોલન નિયમો હળવા કરવા માટે નહીં પરંતુ આ ઇકોઝોનને નાબૂદ કરવા માટે કરી રહ્યા છે. કોઈપણ હાલે આ ઇકો ઝોન રદ કરવામાં આવે એ જ અમારી માંગણી છે. અમારી એ પણ માગણી છે કે આ ઇકો ઝોનને નાબૂદ કરવાની સાથે સાથે જૂનો જીઆર પણ રદ કરવામાં આવે.