રાજકોટ અગ્નિકાંડને લઇને હાલ પણ ઘણા પરિવારોની તેમના વ્હાલસોયા તેમજ સ્વજનોને જોવા માટે આંખો તરસી રહી છે. ત્યારે હવે રાજકોટમાં એક જ પરિવારના 5 લોકો હજુ લાપતા છે. પરિવારના 8લોકો ગેમઝોનમાં ગયા હતા. જેમાં વિરેન્દ્રસિંહ જાડેજા સહિત 5 લોકો હજી સુધી લાપતા છે. રાજકોટ અગ્નિકાંડમાં એક જ પરિવારના 5 લોકો લાપતા થવાથી આખો પરિવાર ગમગીન બની ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનાથી વ્યથિત થયેલા પરિવારના એક સદસ્યએ ગુસ્સામાં આવીને કહ્યું કે, અમારા પરિવારના 8લોકો ગેમઝોનમાં ગયા હતા, 5 લોકો લાપતા છે. કોઈની ઓળખ થઈ શકી નથી. આ તામમ TRP ઝોનમાં રમવા માટે ગયા હતા. દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ. જો જામીન મંજુર થાય તો હું તેમને મારી નાંખીશ. હવે મારી પાછળ કોઈ બચ્યું નથી. મારે જેલમાં જવું પડે તો હું જવા તૈયાર છું.
નોંધનીય છે કે ગુસ્સામાં આવેલા પરિવારના સદસ્યએ ધમકી આપતા કહ્યું કે, મારી માંગણી એ છે કે સરકારે કાં તો આ લોકોને ફાંસીની સજા આપો. અથવા તો કોઈ એડવોકેટ તેમનો કેસ ન લડે, ન તો હાઈકોર્ટમાં, ન તો સુપ્રીમમાં. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે પણ ફી થતી હોય તેને 2 લાખ રૂપિયા હુ આપવા તૈયાર છું. હુ મારા પોતાના રૂપિયા આપીશ. મારે કોઈ સરકારી સહાય જોઈતી નથી. મીડિયામાં હાજરીમાં જે જરૂરિયાતમંદને સરકારી સહાય જોઈતી હશે એને હું આપી દઈશ. જો આમાંથી કોઈના પણ સજા પહેલા જામીન મંજૂર થયા તો હુ એમને મારી નાંખીશ.
વધુમાં કહ્યું કે મારી આગળ પાછળ કોઈ નથી. જો લોકો હતા તે જતા રહ્યા. આને તમે ધમકી સમજો તો છુટ છે, મીડિયાને જે રીતે છાપવુ એ છુટ છે. આને બાપની વેદના સમજીની છાપવુ હોય તો પણ છૂટ છે. જો આ લોકો જામીન પર છુટ્યા તો હું એકેયને જીવતો નહિ છોડું. હું સરકારને એટલુ જ કહેવા માગુ છું કે, આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. કોઈને કોઈ દુર્ઘટના બનતી જાય છે. કોઈનો દીકરો, કોઈની દીકરી, કોઈનો પરિવાર જતો રહે છે. છતા કોઈ એક્શન લેવાતું નથી. હવે સરકાર એક્શન નહિ લે, તો પબ્લિક એક્શન લેશે. હવે હું દેખાડીશ. જો જામીન મંજૂર થયા તો હું તેમને પૂરો કરી દઈશ.