સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)એ સંયુક્ત ઓપરેશનમાં કરોડો રૂપિયાની કિંમતનું 1 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. લાલ ગેટ વિસ્તારમાં એક મદરેસા પાસે પકડાયેલા ડ્રગ્સની કિમત રૂ. 1 કરોડની છે.
જો કે, ડ્રગ ડીલર અને મેફેડ્રોન શિપમેન્ટ મેળવનાર ગુનાના સ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યા હતા. SOGના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર ઇમ્તિયાઝ ફકરૂ મોહમ્મદ અને જગસી શાંતિભાઇને બાતમી મળી હતી કે મોહમ્મદ કાસિફ 29 એપ્રિલે ઇસ્લામિયા સુફીબાગ મદરેસા પાસે MDનો મોટો જથ્થો પહોંચાડશે.
બાતમીનાં આધારે આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો. કાસિફ શેબાઝ ઇર્શાદ હુસૈન ખાન નામની વ્યક્તિને ડ્રગ્સ પહોંચાડવા માટે તેની મોટરસાઇકલ પર પહોંચ્યો હતો. જો કે, પોલીસના આગમનની જાણ થતાં તેઓ શિપમેન્ટ છોડીને ભાગી ગયા હતા. પોલીસે અલગ-અલગ દિશામાં તેમનો પીછો કર્યો હોવા છતાં, ડ્રેનેજના કામ માટે ખોદાયેલા રસ્તાઓએ તેમના પ્રયત્નોમાં અવરોધ ઊભો કર્યો હતો.
સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે, બંને વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી છે અને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, તપાસ લાલગેટ પોલીસને ટ્રાન્સફર કરવામાં આવી છે. પોલીસ શિપમેન્ટના સ્ત્રોત અને આટલા મોટા કન્સાઇનમેન્ટની પ્રાથમિક તપાસ કરી રહી છે. આ કન્સાઇનમેન્ટ અંકલેશ્વર આસપાસના કોઇ સ્થળેથી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.