આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે સજા ભોગવી રહેલી શકુંતલા વસાવાને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. 17 દિવસની નવજાત બાળકીને સાથે રાખીને જેલમાં રહેલી Shakuntala vasavaના કેસમાં કોર્ટે માનવતાવાદી અભિગમ અપનાવ્યો હતો.

17 દિવસના બાળકને ધ્યાનમાં રાખી સરકારી વકીલે વિરોધ ન કર્યો

શકુંતલા વસાવા, તેમના પતિ અને અન્ય ત્રણ દોષિતોની જામીન અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. કેસની સુનાવણી ન્યાયમૂર્તિ વી.કે. વ્યાસની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચ સમક્ષ થઈ હતી.

સુનાવણી દરમિયાન સરકારી વકીલે જણાવ્યું હતું કે શકુંતલા વસાવા 17 દિવસના નવજાત શિશુ સાથે જેલમાં હોવાથી માનવતાના ધોરણે તેમની જામીન અરજીનો વિરોધ કરવામાં આવશે નહીં. જોકે, અન્ય ત્રણ દોષિતોના જામીન અંગે તેમણે બે અઠવાડિયાનો સમય માગ્યો હતો.

હાઈકોર્ટે શકુંતલાના જામીન મંજૂર કર્યા

દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે શકુંતલા વસાવાને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ અન્ય ત્રણ અરજદારોની જામીન અરજી પર આગામી સુનાવણી 7 જુલાઈએ રાખવામાં આવી છે.

કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે મૂળભૂત અધિકારો સાથે જોડાયેલા મુદ્દાઓમાં અનાવશ્યક વિલંબ કરી શકાય નહીં.

વન અધિકારીઓ પર હુમલાના કેસમાં થઈ હતી સજા

ઉલ્લેખનીય છે કે 23 જૂનના રોજ રાજપીપળા જિલ્લા અને સત્ર અદાલતે આપના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સહિત કુલ નવ આરોપીઓને વન અધિકારીઓ પર હુમલો અને ખંડણીના ગુનામાં દોષિત ઠેરવ્યા હતા.

કોર્ટે તમામ આરોપીઓને સાત વર્ષની સજા ફટકારી હતી. આ દોષિતોમાં 30 વર્ષીય શકુંતલા વસાવાનો પણ સમાવેશ થતો હતો.

બાળકીને જન્મ આપ્યાના થોડા દિવસોમાં જ જેલમાં મોકલાઈ હતી

શકુંતલા વસાવાએ સજા જાહેર થાય તે પહેલાં માત્ર 17 દિવસ અગાઉ જ એક બાળકીને જન્મ આપ્યો હતો. સજા બાદ તેમને નવજાત બાળક સાથે પ્રથમ રાજપીપળા જેલ અને ત્યારબાદ વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ મામલે હાઈકોર્ટના નિર્ણય બાદ શકુંતલા વસાવાને તાત્કાલિક રાહત મળી છે, જ્યારે અન્ય દોષિતોની જામીન અરજી પર હવે આગામી સુનાવણીમાં નિર્ણય લેવાશે.