Surendra Rajput Congress: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે અને સમગ્ર મામલાની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર ન્યાયિક તપાસ કરાવવાની માંગ કરી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રસ્ટની કામગીરી, વહીવટી વ્યવસ્થા અને કથિત નાણાકીય ગેરરીતિઓને લઈને અનેક સવાલો ઉઠાવ્યા.

કોંગ્રેસે પ્રશ્ન કર્યો કે જો ટ્રસ્ટની રચના વડાપ્રધાનની દેખરેખ હેઠળ થઈ હતી, તો કથિત ગેરરીતિઓની જવાબદારી કોણ લેશે? પક્ષે એ પણ પૂછ્યું કે જો કોઈ ગેરરીતિ થઈ નથી તો ટ્રસ્ટના તત્કાલીન મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ રાજીનામા શા માટે આપ્યા? કોંગ્રેસે વધુમાં કહ્યું કે જો બધું પારદર્શક છે તો સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની સ્વતંત્ર તપાસથી ડરવાનું કારણ શું છે?

કોંગ્રેસના જણાવ્યા મુજબ ભગવાન શ્રીરામ કરોડો ભારતીયોની આસ્થા અને સંસ્કૃતિના પ્રતિક છે. દેશભરના શ્રદ્ધાળુઓએ રામ મંદિરના નિર્માણ માટે શ્રદ્ધાપૂર્વક ચંદો અને દાન આપ્યું હતું. પક્ષનો આરોપ છે કે આ ચંદા અને ચઢાવાના ઉપયોગને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે અને સમગ્ર મામલે પારદર્શિતા જરૂરી છે.

કોંગ્રેસે દાવો કર્યો કે ટ્રસ્ટના તત્કાલીન મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારવામાં આવ્યા છે. સાથે જ ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરી અને અન્ય પદાધિકારીઓની ભૂમિકાને લઈને પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. પક્ષે એવો પણ આક્ષેપ કર્યો કે ટ્રસ્ટની વહીવટી રચના અને ઉચ્ચ સ્તરની નિમણૂકોમાં વડાપ્રધાન કાર્યાલયની ભૂમિકા રહી હોવાથી કેન્દ્ર સરકારે જવાબદારીમાંથી દૂર રહી શકતું નથી.

કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે સમગ્ર મામલે સ્પષ્ટતા કરવાની માંગ કરી છે. પક્ષે કથિત રીતે સંડોવાયેલા તમામ પ્રભાવશાળી લોકો સામે એફઆઈઆર નોંધવાની, તેમની ધરપકડ કરવાની તેમજ સમગ્ર પ્રકરણની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ કરી છે.

આ ઉપરાંત કોંગ્રેસે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પુનર્ગઠનની માંગણી કરી છે. પક્ષના જણાવ્યા મુજબ ધર્માચાર્યો, પ્રતિષ્ઠિત નાગરિકો, વહીવટી નિષ્ણાતો અને સ્વતંત્ર સભ્યોને સામેલ કરીને નવું પારદર્શક ટ્રસ્ટ બનાવવું જોઈએ. સાથે જ મંદિર માટે પ્રાપ્ત થયેલા ચંદા, ચઢાવા, જમીન ખરીદી અને ખર્ચનો સ્વતંત્ર ફોરેન્સિક ઓડિટ કરીને તેનો અહેવાલ જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે.

પ્રેસ વાર્તાલાપ દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી, પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવત, નિશાંત રાવલ અને શહેર પ્રવક્તા ડૉ. નિકુલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.