ભારતીય રેલ્વે મંત્રાલયે Gujaratના ભુજ અને બિહારના બરૌની વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસ (19427/19428) ચલાવવાની મંજૂરી આપી છે. આ નવી ટ્રેન ગુજરાત અને બિહાર વચ્ચેની રેલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે અને રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશના અનેક મહત્વપૂર્ણ શહેરોને પણ સીધું જોડશે.

અમૃત ભારત એક્સપ્રેસ ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા મુસાફરોને આધુનિક સુવિધાઓ સાથે સસ્તી મુસાફરીનો અનુભવ આપવા માટે શરૂ કરવામાં આવી છે. ટ્રેન આશરે 2,532 કિલોમીટરનું અંતર કાપશે અને તેની મહત્તમ ગતિ 110 થી 130 કિમી પ્રતિ કલાક રહેશે.

આ સ્ટેશનો પર રહેશે મુખ્ય સ્ટોપેજ

ભુજ-બરૌની અમૃત ભારત એક્સપ્રેસ સામખીયાળી, અમદાવાદ, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ભરતપુર, મથુરા, હાથરસ, બરેલી, ઇજ્જતનગર, પીલીભીત, લખીમપુર, ગોંડા, ગોરખપુર, સિવાન, છાપરા, હાજીપુર, મુઝફ્ફરપુર અને સમસ્તીપુર સહિત અનેક મહત્વપૂર્ણ સ્ટેશનો પર રોકાશે.

ટ્રેનનો સમય અને દિવસો

ટ્રેન નંબર 19427 ભુજથી સાંજે 5:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 4:05 વાગ્યે બરૌની પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 19428 બરૌનીથી 11:55 વાગ્યે ઉપડશે અને ભુજ બપોરે 1:15 વાગ્યે પહોંચશે.

આ ટ્રેન અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે. ભુજથી સોમવાર, બુધવાર અને શનિવારે, જ્યારે બરૌનીથી મંગળવાર, ગુરુવાર અને શનિવારે સેવા આપશે.

અમૃત ભારત એક્સપ્રેસની ખાસ સુવિધાઓ

અમૃત ભારત એક્સપ્રેસમાં મુસાફરોની સુરક્ષા અને આરામ માટે અનેક આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. ટ્રેનમાં સેમી-ઓટોમેટિક કપ્લર્સ, ફાયર ડિટેક્શન સિસ્ટમ, સીલ્ડ ગેંગવે અને ટોક-બેક યુનિટ જેવી સુવિધાઓ હશે. ઉપરાંત ટ્રેનમાં 11 જનરલ કોચ, 8 સ્લીપર કોચ, 1 પેન્ટ્રી કાર અને 2 લગેજ-કમ-દિવ્યાંગ કોચનો સમાવેશ કરવામાં આવ્યો છે.