Sabarkantha: સોમવારે (24 ઓગસ્ટ) સાંજે, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ નજીક સાબરમતી નદીમાં નહાતી વખતે બે યુવાનો ડૂબી ગયા. સ્થાનિક વહીવટીતંત્ર અને ફાયર વિભાગ દ્વારા શોધખોળ કામગીરી બાદ, મંગળવારે (25 ઓગસ્ટ) નદીમાંથી બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ઉંબોરા ગામના 24 વર્ષીય દિનેશ પરમાર અને 25 વર્ષીય રાહુલ પરમાર સોમવારે સાંજે ખેરોજ નજીક સાબરમતી નદીમાં નહાવા ગયા હતા. તેઓ ઊંડા પાણીમાં ડૂબી ગયા. સ્થાનિક રહેવાસીઓ પાસેથી માહિતી મળતાં, તાલુકા વહીવટીતંત્ર અને ખેડબ્રહ્મા નગરપાલિકા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને શોધખોળ શરૂ કરી હતી. મંગળવારે સવારે મૃતદેહો મળી આવ્યા હતા.
ખેરોજ પોલીસે મૃતદેહોને કબજે લીધા છે અને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી નદીમાં ડૂબવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આ મામલે તંત્ર દ્વારા સાવચેતી રૂપ પગલા લેવામાં આવે સાથે આવી ઘટનામાં સચોટ તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.




