શનિવારના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ખાતે ભીષણ આગ લાગી હતી. જેમા હસતાં રમતાં લોકો જીવતા હોમાઇ ગયા હતા. ત્યારે આ આગકાંડમાં વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વેલ્ડિંગ કરનાર મહેશ રાઠોડની અટકાયત કરી છે. મહેશ રાઠોડ ગઈકાલે પકડાયેલા આરોપી રાહુલ રાઠોડના કાકા છે.
આ કેસમાં ઝડપાયેલો આરોપી રાહુલ રાઠોડ ટીઆરપી ગેમઝોનમાં મેન્ટેનન્સની કામગીરી જોઇ રહ્યો હતો. તેણે જ આરોપી મહેશનો સંપર્ક કરીને તેને વેલ્ડિંગનું કામ આપ્યું હતુ. ક્રાઇમ બ્રાંચે હાલ વેલ્ડિંગ કરનાર આરોપી મહેશ રાઠોડની અટકાયત કરી છે. જેની પૂછપરછ બાદ બપોર સુધીમાં ધરપકડ કરી શકે છે. આ આગકાંડમાં મહેશ રાઠોડ પણ ઈજાગ્રસ્ત થયો હતો. જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
સોમવારે રાજકોટ અગ્રનિકાંડમાં બનાસકાંઠા એલસીબીની અને રાજકોટ પોલીસની ટીમ દ્વારા વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી. જેની સાથે હવે કુલ પાંચ આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે. અગાઉ ત્રણ આરોપીઓને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે ચોથા આરોપીની રાજસ્થાનના આબુરોડથી અટકાયત કરવામાં આવી છે.
રાજકોટ પોલીસ દ્વારા ત્રણ આરોપીની અટકાયત કરીને તેના 14 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે ફરાર મુખ્ય આરોપી ધવલ ઠક્કરને બનાસકાંઠા પોલીસે સોમવારે રાજસ્થાનના આબુરોડ પરથી ઝડપી પાડ્યો છે. બનાસકાંઠા LCB પોલીસને બાતમી મળી હતી કે, ગેમઝોન અગ્નિકાંડનો આરોપી ધવલ ઠક્કર રાજસ્થાનના આબુરોડમાં તેના સંબંધીને ત્યાં છુપાયો છે. જેને લઈને પાલનપુર LCB પોલીસે આબુરોડમાં તેની તપાસ હાથ ધરી હતી.
પાલનપુર LCB પોલીસના PSI મહાવીરસિંહ ઝાલા અને તેમની ટીમે આરોપી ધવલ ઠક્કરને આબુરોડની બજારમાંથી દબોચી લીધો હતો. ત્યાર બાદ તેને પાલનપુર LCB કચેરી ખાતે લવાયો હતો. જોકે હવે પાલનપુર LCB પોલીસ દ્વારા આરોપી ધવલ ઠક્કરને રાજકોટ પોલીસને સોંપવામાં આવશે જ્યાં રાજકોટ પોલીસ દ્વારા આરોપી ધવલ ઠકકરની પૂછપરછ કરીને તેના રિમાન્ડ મેળવવામાં આવશે.