TRP ગેમઝોન અગ્નિકાંડના ત્રીજા દિવસ સુધીમાં 11 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. હજુ પીડિત પરિવારજનો ડીએનએ રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે, ત્યારે રાજકોટ આગકાંડના મૃતકોના DNA રિઝલ્ટ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. FSLના આસિસ્ટન્ટ ડિરેક્ટર વાત કરતા ભાવુક થયા હતા. સાથે જ તેમણે ડીએનએ સેમ્પલ અને રિપોર્ટમાં કેમ સમય લાગી રહ્યો છે, તે અંગે જણાવ્યું હતું.

રાજકોટ દુર્ઘટના ખૂબ જ દુખદ છે. મૃતદેહ એ હદે બળી ગયા છે કે જેના ડીએનએ સેમ્પલ લેવા અને તપાસવા મુશ્કેલ બન્યા છે. કુલ 26 સેમ્પલ મળ્યા છે અને 13નું રિઝલ્ટ આપ્યું છે. બાકીના 13નું રિઝલ્ટ હજુ બાકી છે. સેમ્પલ માટે બ્લડ, હેર, ટીશ્યૂ કંઇ જ બચ્યું નથી, ત્યારે અમારી મુશ્કેલી વધી છે. હવે સેમ્પલ ઉપર રિઝલ્ટની કામગીરીમાં વાર લાગશે. કેમ કે, બાકીના તમામ સેમ્પલ હવે ક્રિટીકલ છે.

અત્યાર સુધીમાં કુલ -11 મૃતદેહ તેઓના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા, સ્મિત મનીષભાઈ વાળા, સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા, જીગ્નેશ કાળુભાઇ ગઢવી, ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ જશુભા જાડેજા, આશાબેન ચંદુભાઈ કાથડ, સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા, જયંત અનીલભાઈ ઘોરેચા, હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમારનો મૃતદેહ આપવામાં આવ્યો છે. બીજી બાજુ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વેલ્ડિંગ કરનાર મહેશ રાઠોડની અટકાયત કરી છે. મહેશ રાઠોડ ગઈકાલે પકડાયેલા આરોપી રાહુલ રાઠોડના કાકા છે. આ આગકાંડમાં મહેશ રાઠોડ પણ સામાન્ય દાજ્યા હતા. જેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

સોમવારે રાજકોટ અગ્રનિકાંડમાં બનાસકાંઠા એલસીબીની અને રાજકોટ પોલીસની ટીમ દ્વારા વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી. જેની સાથે હવે કુલ પાંચ આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે. અગાઉ ત્રણ આરોપીઓને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે ચોથા આરોપીની રાજસ્થાનના આબુરોડથી અટકાયત કરવામાં આવી છે.